સરપંચ, રાજકીય પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનોએ કામગીરી નબળી થતી હોવાની ટી.ડી.ઓને રજૂઆત કરી
લીલીયા શહેરની પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી જાણે માઠી બેઠી હોય તેમ ભૂગર્ભ ગટર યોજના હોય કે નલ સે જલ યોજના હોય તેની કામગીરીને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને શાસક પક્ષના નેતાઓના પેટનું પાણી હલતું પણ નથી. શહેરમાં સને 2014 માં કરોડો રૂપિયાના ખર્ચે અધુરી તૈયાર થયેલ ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરી દેવામાં આવેલ હતું. તેને લઈ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટરમાં થયેલ વ્યાપક પ્રમાણમાં થયેલ ગેરરીતિને લઈ અનેક વાર ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યા હતાં.
સ્થાનિક વેપારીઓએ હાઇકોર્ટમાં પી.એલ.આઈ પણ દાખલ કરેલ હતી. તેના પરિણામે ફરી ભૂગર્ભ ગટરના રીપેરીંગ કામ માટે રૂપિયા 11 કરોડ જેવી માતબર રકમ મંજુર થઈને આવતા. શાસક પક્ષના સત્તાધીશોએ ભૂમિ પૂજન ખાતમુહૂર્ત કરી સંતોષ માની લીધો હોય તેમ વર્તમાન સમયમાં લીલીયાની નાવલી બજારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. તેને લઈ અનેક ફરિયાદો ઉઠવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે પદા અધિકારીઓએ દરકાર ન કરતા ગઈકાલે બપોરના સમયે સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલીયા ગ્રામ પંચાયત સદસ્યો અને વિજયભાઈ વિરાણી રાજુભાઈ ગરાણીયા અને વેપારીઓ ગ્રામજનો ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. તેમાં બનાવવામાં આવતી કુંડીઓની નબળી કામગીરી જોઈ સ્થાનિક ટીડીઓ કિશોરભાઈ આચાર્યને નબળી કામગીરી ચાલી રહી હોવાની રજૂઆત કરી હતી. આ રજુઆતના પગલે ટીડીઓ કામના સ્થળે દોડી આવતા સ્થાનિક લોકોએ નબળી કામગીરી થઈ રહી છે તેની સામે પગલાં ભરવા માગણી કરી હતી. વિજયભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે સરકારના તમામ ધારા ધોરણે નેવે મૂકી ભૂગર્ભ ગટર કામગીરી ચાલી રહી છે. તેને લઈ જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી હતી.
સ્થાનિક ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયાએ જણાવ્યું હતું કે, નાવલી બજારમાં પાણીનું વહેણ હોય તેને લઈ આર.સી.સી કુંડીઓ બનાવી જોઈએ અને ભૂગર્ભ ગટરની કામગીરી નબળી ચાલી રહી છે. તેને અટકાવવી જોઈએ.
