સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના જંગલ તથા સમગ્ર લાયન લેન્ડસ્કેપ અને અન્ય વન વિસ્તારોના વન કર્મીઓને ખાસ સુવિધાથી 183 વાહનોથી સજ્જ કરવા ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે. અને આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં આવા 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
મુખ્યમંત્રી એ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વનકર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ, અગ્રમુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વન અધિકારીઓના જણાવ્યા મુજબ, ગીર, બૃહદગીર અને સમગ્ર લાયન લેન્ડસ્કેપ તેમજ રાજ્યના અન્ય વન વિસ્તારોના વનકર્મીઓ માટે આ નવા ફાળવાયેલા વાહનો વધુ સક્ષમતાપૂર્વક ફરજો બજાવવા અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપયુક્ત બનશે.
