મંત્રી ડો. પ્રધુમન વાજા અને કૌશિક વેકરિયાએ પગપાળા સમગ્ર રૂટની પરિક્રમા કરી, સુવિધા અંગે સમિક્ષા બાદ જરૂરી સુચનાઓ આપી
સાધુ-સંતો અને ભક્તિના સંગમ સમાન જૂનાગઢનો સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આગામી11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ મેળાને ભવ્ય બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાની પૂર્વતૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકારના બે મંત્રીઓએ ભવનાથ તળેટીમાં પગપાળા જઈને વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરીયાએ ગત રાત્રે ભવનાથ મેળાના રૂટની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા કલેક્ટર, એસ.પી., અન્ય વહીવટી અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. મંત્રીઓએ રૂટ પરની લાઈટિંગ, પીવાનું પાણી, રસ્તાની સફાઈ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ભવનાથ પહોંચ્યા બાદ મંત્રીઓએ ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં જઈ પૂજન-અર્ચન કર્યા હતા અને મેળાના પવિત્ર મૃગી કુંડની પણ મુલાકાત લીધી હતી. કલેક્ટર સાથેની ચર્ચામાં મંત્રીઓએ સૂચના આપી હતી કે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે ઘટતી સુવિધાઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
મેળા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ભવનાથ તળેટીમાં તમામ પ્રકારના ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, નિરીક્ષણ દરમિયાન વાહન પ્રવેશ પાસના મુદ્દે સાધુ-સંતોએ મંત્રીઓ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સંતોની માંગ છે કે આશ્રમો અને અખાડાઓ સુધી પહોંચવા માટે જરૂરી વાહનોને છૂટછાટ મળવી જોઈએ. મંત્રીઓએ આ બાબતે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે.
જૂનાગઢનો આ મેળો ’મિની કુંભ’ તરીકે ઓળખાય છે, ત્યારે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા જળવાય તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.
મેળામાં સાધુ-સંતોનું આગમન શરૂ, પીવાના પાણીની માંગ
ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રે મહાશિવરાત્રિના પરંપરાગત મિની કુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેશભરમાંથી સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને તેઓએ પોતપોતાના સ્થાને ધુણા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે, મેળાના પ્રારંભે જ સુવિધાઓના અભાવે સાધુ-સંતોમાં તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે. મેળામાં પધારેલા સાધુ-સંતોએ આક્ષેપ કર્યો છે કે ભવનાથમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સંતોએ જણાવ્યું કે તેમને પીવાના પાણી માટે નાણાં ખર્ચીને વેચાતું પાણી લેવા મજબૂર થવું પડી રહ્યું છે. ઠંડી અને ધાર્મિક વિધિ માટે જરૂરી ધુણા માટે પણ લાકડાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તંત્રની ઉદાસીનતા સામે ટકોર કરતા સાધુ-સંતોએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, “મહાશિવરાત્રિનો મેળો એ સાધુ-સંતોનો મેળો છે, અધિકારીઓનો નહીં.” અધિકારીઓ માત્ર પોતાની સુવિધાઓ અને પ્રોટોકોલ જોવાને બદલે મેળાના અસલી મહેમાન એવા સંતોની પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. સંતોએ તંત્રને ચીમકી આપી છે કે જો વહેલી તકે પીવાના પાણી અને ધુણા માટેના લાકડાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મેળો સંભાળવો મુશ્કેલ બનશે.
