વેરાવળ શહેરમાંથી ઝડપાયેલ આશરે રૂા.1.10 કરોડની કિંમતનો દારૂ બિયરનો જથ્થો નાશ કરાયો

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂ.1.10 કરોડની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા નો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દારૂ-બિયરની 42 હજારથી વધુ બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂના નાશ ની સમગ્ર પ્રક્રિયા ડીવાયએસપી વી.આર.ખેંગાર, સિટી પીઆઈ. ગઢવી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને અધિકારીઓની હાજરીમાં હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન દરેક બોટલ નો પેઢી મુજબ હિસાબ રાખી કોર્ટના આદેશ અનુસાર કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ મોટા ગુનાઓ સહિત કુલ 24 જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થા નો આ નાશ કરાયો છે. જપ્ત કરાયેલ માલમત્તાની કુલ અંદાજિત કિંમત આશરે રૂ.1.10 કરોડ જેટલી થતી હતી. આ સમગ્ર કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે કોર્ટના હુકમ અનુસાર જપ્ત માલ મત્તા નો નિયમિત અને પારદર્શક રીતે નાશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂ બંધી અમલમાં હોવાથી ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ સતત સખત કાર્યવાહી કરી રહી છે. તાજેતરની આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો માટે ચેતવણી રૂપ માનવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ