સૌરાષ્ટ્રના એન્જિનિયરીંગ, મશીન ટુલ્સ, સિરામીક સહિતની નિકાસને મોટી અસર થવાની ભીતિ
નિકાસ મોંઘી થશે
નિકાસકારોના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા નાણાકીય પ્રોત્સાહનમાં ઘટાડો કરવામાં આવતા સમગ્ર નિકાસને અસર થઈ શકે છે. નિકાસ મોંઘી થશે કારણ કે, નિકાસકારો ભાવ નક્કી કરવામાં સરકાર તરફથી મળતી પ્રોત્સાહક મદદને પણ લક્ષમાં લેતા હોય છે. હવે આ વળતર ઘટે એટલે નિકાસની કિંમત વધારવી પડે આ રીતે નિકાસી પ્રોડક્ટ મોંઘી થવાના સંજોગોમાં વિદેશી માર્કેટમાં ટકી રહેવાનું મુશ્કેલ બની શકે છે.
અમેરિકાના ટેરિફ વોરના કારણે છેલ્લા 8 મહિનાથી ભારતની નિકાસ પ્રભાવિત થઈ છે. અને નિકાસમાં મોટો ફટકો પડ્યો છે. સરકારે પણ તાજેતરમાં કેટલાક પ્રોત્સાહક એલાન કર્યા હતાં. પરંતુ હવે કેન્દ્ર સરકારે નિકાસકારોને મોટો ઝટકો આપ્યો છે. રોડટેપ યોજનામાં નિકાસકારોને મળતા લાભમાં 50 ટકાનો કાપ મુકતા રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના નિકાસકારોમાં ઉહાપોહ મચ્યો છે.
દેશના નિકાસકારોને નિકાસ પેટે અપાતા નાણાકીય પ્રોત્સાહનોમાં 50 ટકા કાપ મુકવાના પરિપત્રમાં સરકારે કલાકોમાં યુટર્ન લીધો હતો. આ નાણાકીય પ્રોત્સાહન ઘટાડામાંથી કૃષિ ક્ષેત્રની ચીજોને મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, કૃષિક્ષેત્રની નિકાસ થતી પ્રોડક્ટોમાં અગાઉના ધોરણે નાણાકીય પ્રોત્સાહન મળતા રહેશે.
વ્યાપાર મંત્રાલયે મંગળવારે જોહર કરેલા નવા સુધારેલા પત્રમાં એવી ચોખવટ કરાઈ કે આઈટીસી, એચએસ 1થી 24 હેઠળ આવતી પ્રોડક્ટોને અગાઉના ધોરણે નાણાકીય પ્રોત્સાહન મળતુ રહેશે એટલે કે, કૃષિક્ષેત્રને રોડટેપના ઘટાડામાંથી મુક્તિ અપાઈ છે. કૃષિક્ષેત્રને પણ નાણાકીય લાભ ઘટાડવામાં આવે તો ખેડુતોમાં ઉહાપોહ થાય તેવી આશંકાએ સરકારે તાત્કાલીક આ ફેરફાર કર્યો હોવાનું વર્તુળોએ જણાવ્યું છે.
વેપારી સુત્રોના જણાવ્યા પ્રમાણે, સિંગદાણાની નિકાસ પર 0.9 ટકાનું પ્રોત્સાહન સરકાર તરફથી મળતુ હતું તે હવે માત્ર 0.45 ટકા જ મળશે. આવી જ રીતે સીંગતેલમાં 0.60 ટકાના બદલે હવે 0.30 ટકા જ મળશે. તેલીબીયા, ખાદ્યતેલ, ખોળ, કપાસિયા, કપાસ, જીરૂ મસાલા, સહિતની નિકાસને અસર પડશે. તેમજ સૌરાષ્ટ્રના એન્જિનિયરીંગ, મશીન ટુલ્સ, સિરામીક નિકાસને મોટી અસર થશે.
2021 સુધી મર્ચન્ટાઈઝ એક્સપોર્ટસ ફોરમ ઈન્ડિયા ટીમ ચાલુ હતી પરંતુ ડબલ્યુટીઓમાં વિરોધ થતાં આ રોડમેપ યોજના દાખલ કરવામાં આવી હતી. અને તેમાં નાણાકીય પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું હતું. હવે તેમાં પણ અડધોઅડધ કાપ મુકી દેતા નિકાસકારોને અસર થશે. અગાઉ નિકાસ થઈ ગઈ હોય તેમાં શું સ્થિતિ સર્જાશે તે પણ પ્રશ્ર્ન ઉભો થયો છે.
નાણાકીય વર્ષમાં કેન્દ્રીય બજેટમાં આ યોજના માટે રૂા. 18,700 કરોડની ફાળવણી કરાઈ હતી. પરંતુ તાજેતરના નવા બજેટમાં તે ઘટાડીને 10 હજાર કરોડ કરી દેવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકારે જ બજેટ ફાળવણી ઘટાડીને આ કાપ મુક્યો છે.
