એલઆઈસીએ એક મહિનામાં રૂા.43318 કરોડ મ્યુચ્યુઅલ ફંડોએ રૂા.74666 કરોડની નુકશાની કરી: નિફટી-આઈટી ઈન્ડેકસ 21 ટકા તૂટતા મોટી અસર
હજુ પણ ભારતીય આઈટી કંપનીઓ એઆઈ સામે કઈ રીતે બાથ ભીડશે તે પ્રશ્ર્ન: અમેરિકી એઆઈ જાયન્ટ સાથે કરાર પણ ટેકનોલોજી મોંઘી પડવાથી કંપનીની ઓર્ડર બુક અને નફા બંનેને અસર થશે
ભારતીય શેરબજારમાં આઈટી શેરોમાં એન્થ્રોફીકસ ઈફેકટના કારણે સર્જાયેલા કડાકામાં સૌથી વધુ નુકસાની જાહેર સાહસની ભારતીય જીવન વિમા કંપની (એલઆઈસી) અને મ્યુચ્યુઅલ ફંડોને થઈ છે અને 2008 પછીના આ સૌથી મોટા આઈટી કડાકામાં આ બંને મોટા રોકાણકારોના રૂા.1.20 લાખ કરોડનું ધોવાણ થયું છે. મુંબઈ શેરબજારમાં નિફટી ઈન્ડેકસ 21 ટકા જેવો તૂટયો છે અને હજુ પણ આઈટી ક્ષેત્રમાં કેટલું ધોવાણ થશે તે પ્રશ્ર્ન છે. એક અહેવાલ મુજબ ભારતીય આઈટી કંપનીઓ દુનિયાભરમાંથી સોફટવેર સર્વિસ સહિતના મોટા કોન્ટ્રાકટ ગુમાવી રહી છે. એન્થ્રોફીકસે જે રીતે નવું કલાઉડ કોવર્ડ રજુ કર્યુ તે લીગલ સહિતના ક્ષેત્રમાં આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સથી જે કામગીરી કરે છે તે ભારતીય આઈટી કંપનીઓની રોજી-રોટી હોવાનું માનવામાં આવે છે અને તે છીનવાઈ જવાનો ડર ઉભો થયો છે. નિફટી આઈટી ઈન્ડેકસ 21 ટકા જેવો તૂટયો છે જે 2008ના ડોમ કોમ બબલ જે રીતે તૂટયો તેના પછીનો સૌથી મોટો આઈટી શેરોનો કડાકો છે અને તેમાં મોટું રોકાણ કરનાર એલઆઈસી અને દેશના મ્યુચ્યુઅલ ફંડોને સૌથી મોટુ સહન કરવું પડયું છે. આ બંનેએ આ માસમાં રૂા.1.18 લાખ કરોડ ગુમાવ્યા છે. જાન્યુઆરી અંતમાં મ્યુચ્યુઅલ ફંડનું આઈટી હોલ્ડીંગ રૂા.355600 કરોડ હતું તે 24 ફેબ્રુઆરીના ઘટીને રૂા.2,80,933 કરોડ થઈ ગયું છે. આમ મ્યુચ્યુઅલ ફંડોએ જ ચાર મહિનામાં રૂા.74666 કરોડ ગુમાવ્યા છે જયારે એલઆઈસી જે ટોચની આઈટી કંપનીઓમાં રૂા.2,11,257 કરોડનું રોકાણ ધરાવતી હતી તેનું હવે મૂલ્ય રૂા.1,67,939 કરોડ થઈ ગયું છે. આમ એલઆઈસીએ પણ રૂા.43318 કરોડ ગુમાવ્યા છે. આમ શેરબજારના બંને મોટા રોકાણકારોને આઈટી આંચકાએ મોટી નુકશાનીમાં અથવા તો કેપીટલ ધસારામાં નાંખી દીધા છે. એલઆઈસી અને મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફોસીસ અને ટીસીએસમાં મોટુ રોકાણ કરીને બેઠી છે. ડિસેમ્બરના કવાર્ટરમાં એલઆઈસી પાસે ઈન્ફોસીસના 11.3 ટકા, ટીસીએસના 5.3 ટકા અને ટેક મહીન્દ્રાના 11.5 ટકા જયારે એલએન્ડટી માઈન્ડ ટ્રીના શેરમાં 9.6 ટકાનું રોકાણ હતું. જેની સામે ઈન્ફોસીસ 23 ટકા તૂટયો છે. ટીસીએસમાં 18 ટકા અને અન્ય આઈટી સ્ક્રીપમાં સરેરાશ 20 ટકાનો ઘટાડો થયો છે. હજુ પણ એઆઈના કારણે આઈટી કંપનીઓ કઈ રીતે હવે કામ લેશે તે પ્રશ્ર્ન છે. ખાસ કરીને ભારતીય કંપનીઓ હવે અમેરિકા સહિતની એઆઈ જાયન્ટ સાથે કરાર કરવા આગળ વધી રહી છે. પરંતુ તેઓને જે રીતે ટેકનોલોજી મળશે તેની ઉંચી કિંમત ચુકવવી પડશે અને તેના કારણે ભવિષ્યમાં તેઓનો નફો તેમના ઓર્ડર બુક વગેરેને પણ અસર થશે.
