સૌરાષ્ટ્ર ઉપરાંત બરોડા, ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્રની ટીમો ભાગ લેશે
કહેવાય છે કે, ખેલાડીઓ માટે ઉંમર એક માત્ર આંકડો છે. જયાં સુધી શારિરીક રીતે ફીટ છે. ત્યાં સુધી તેઓ મેદાનમાં તેમનું કૌશલ્ય બતાવવા માટે સક્ષમ હોય છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ રમતોમાં વેટર્ન એટલે કે નિવૃત થઇ ગયેલા ખેલાડીઓની ટૂર્નામેન્ટના આયોજનો થઇ રહ્યાં છે. ત્યારે સૌ પ્રથમ વખત વડોદરા ખાતે આગામી તા.26-2થી તા.28-2 વચ્ચે વેસ્ટ ઝોન વેટરન ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઝોનની સૌરાષ્ટ્ર, ગુજરાત, બરોડા, મહારાષ્ટ્ર અને મુંબઇ એમ ચાર ટીમો ભાગ લઇ રહી છે. દરેક ટીમ બે-બે મેચ રમશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ બે ટીમ વચ્ચે તા.28ના રોજ વડોદરા સ્થિત નવનિર્મિત બીસીએ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમાશે. બે મેદાનમાં રોજ બે-બે મેચ રમાશે.
એસસીએના પ્રમુખ જયદેવ શાહ સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન
સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન તરીકે જયદેવ શાહ, ઉપ કપ્તાન પ્રતિક મહેતા, વિકેટકીપર સાગર જોગીયાણી, વિરેન્દ્ર વેગડા, કમલેશ મકવાણા, સેન્ડીલ નાટકન, ભૂષણ ચૌહાણ, રાકેશ ધ્રુવ, સંદિપ મણિયાર, કનૈયા વાઘેલા, સંદિપ જોબનપુત્રા, કુલદિપ રાવલ, સુદીપ મહેતા, નિકેશ મહેતા, વિશાલ વસોયા, મોહસીન ડોડીયા, નીલ કણસાગરા, બેનસન સોનગાંવકર, ફિરોઝ બાંભણીયા અને ટીમ મેનેજર તરીકે એન.ડી.જાડેજાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના મેચ કયારે રમાશે
સૌરાષ્ટ્રનો પ્રથમ મેચ તા.26ના ગુજરાત સામે મોરબાગ પીટીસી ગ્રાઉન્ડ પર બપોરે 1.30 વાગ્યે, બીજો મેચ તા.27ના સવારે 9 વાગ્યે સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટસ એકેડમી ગ્રાઉન્ડ પર મુંબઇ સામે રમાશે.
