રાજકોટ તબીબ મહેશ મારૂ દુબઇમાં ફસાયા, આશ્રય સ્થળ નજીક જ બ્લાસ્ટ

તમામ ફલાઈટ રદ થતાં પરિવારમાં ઉચાટ: ડરનો માહોલ છવાયો

રાજકોટના અનેક પ્રવાસીઓ દુબઇમાં ફસાયા છે ત્યારે રાજકોટના જાણીતા ઓર્થોપેડીક ડો. મહેશ મારૂ અને તેમના પત્ની રેખાબેન મારૂ દુબઇના પ્રવાસે ગયા હતા અને હાલ યુધ્ધની પરિસ્થિતિને પગલે ફસાયા છે. ડો. મહેશ મારૂ એક સપ્તાહ પૂર્વે પત્ની સાથે દુબઇના પ્રવાસે ગયા હતા. શનિવારે સાંજે 7-30 કલાકે તેમની રીટર્ન ટીકીટ હતી. પરંતુ બપોરે બે કલાકે દુબઇની સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરતા તમામ ફલાઇટ રદ કરવામાં આવી.
ડો. મહેશભાઇ અને તેમના પત્ની હાલ તેમના મિત્ર મારવાડી ગ્રુપના જીતુભાઇ ચંદારાણાના પુત્ર નિશિતભાઇ ચંદારાણાના ઘરે છે. શનિવારે બપોરે 1-30 કલાકે હોટલમાંથી ચેક આઉટ કર્યા બાદ બીજી હોટલમાં રવિવારે રહેવા 9000 વધારે ભાડુ ચુકવી રહેવું પડ્યું હતું અને આજે સવારે તેઓ નિશિતભાઇના ઘરે રહે છે. પરંતુ ડરનો માહોલ છવાયેલો છે. નિશિતભાઇના ઘરને થોડે દૂર ડ્રોન વિસ્ફોટ થયા હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયેલ છે. ડો. મહેશભાઇ ફલાઇટ શરૂ થવાની રાહમાં છે. તેઓ વહેલી તકે પોતાના વતન પરત ફરવા ઇચ્છે છે.
ડો. મહેશભાઇ મારૂ હાલ રાજકોટમાં મહાવીર સોસાયટીમાં રહે છે અને મોટી ટાંકી ચોક પાસે 42 વર્ષથી પોતાનું ડો. મારૂ ફેક્ચર ઓર્થોપેડીક હોસ્પીટલમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે. ડો. મહેશભાઇના બન્ને પુત્રો ચિંતામાં છે અને તેઓને રાજકોટ પરત લાવવા અનેક પ્રવસો કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ