પક્ષી ગણતરીમાં મલાર્ડ, પેરેગ્રીન, ફાલ્કન, બ્લેક નેકડ સ્ટોર્ક પક્ષીઓ દેખાયા
કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.આ ગણતરી રાજ્ય વન વિભાગ, સ્થાનિક પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી કરવામાં આવી હતી. ગણતરી દરમિયાન કેટલીક દુર્લભ અને મહત્વપૂર્ણ પ્રજાતિઓ પણ જોવા મળી હતી. જે અભયારણ્યની સમૃદ્ધ જૈવવિધતા દર્શાવે છે.જેના મુખ્ય આકર્ષણમાં દુર્લભ પ્રજાતિઓની હાજરી ગણતરી દરમિયાન ખાસ પ્રજાતિઓ નોંધાઈ છે. જેમાં મલાર્ડ પરદેશી સ્થળાંતરી બતક પ્રજાતિ, જે શિયાળામાં ભારતમાં જોવા મળે છે. પેરેગ્રીન ફાલ્કન વિશ્વનો સૌથી ઝડપી પક્ષી, જેની હાજરી પર્યાવરણની સત્વરતા દર્શાવે છે. બ્લેક નેકડ સ્ટોર્ક અતિ દુર્લભ અને સંરક્ષિત પ્રજાતિ, જે ભેજવાળા વિસ્તારમાં વસવાટ કરે છે.
આ પ્રજાતિઓનું દર્શન થવું ગાગા અભયારણ્યના પ્રાકૃતિક સંતુલન અને અનુકૂળ નિવાસસ્થાનની સાબિતી આપે છે. આ ગણતરીની વિશેષતાઓમાં કુલ 202 નોંધાયેલ પ્રજાતિઓ સાથે કુલ પક્ષીઓની સંખ્યા 65,047 જાહેર થઈ હતી. સાથે સ્થળાંતરીત પક્ષીઓનો નોંધપાત્ર વધારો, ભેજવાળા વિસ્તારોમાં પાણીનું સંતુષ્ટ સ્તર, સ્થાનિક અને વિદેશી પક્ષીપ્રેમીઓની ભાગીદારી જોવા મળી હતી.આ અંગે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષની ગણતરી દર્શાવે છે કે ગાગા અભયારણ્ય પક્ષીઓ માટે સલામત અને અનુકૂળ નિવાસસ્થાન તરીકે વિકસી રહ્યું છે.
સંરક્ષણ પ્રયાસોનું આ પરિણામ છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીના સ્ત્રોતોના સંવર્ધન, ગેરકાયદેસર શિકાર પર નિયંત્રણ અને સ્થાનિક લોકોમાં જાગૃતિ અભિયાનના કારણે પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પર્યાવરણવિદોના મત મુજબ, આ પ્રકારની નિયમિત ગણતરી જૈવવિધતાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યની યોજનાઓ ઘડવામાં મદદરૂપ બને છે.વર્ષ 2026ની પક્ષી ગણતરી ગાગા પક્ષી અભયારણ્ય માટે ગૌરવની બાબત બની છે. 65 હજારથી વધુ પક્ષીઓ અને 200થી વધુ પ્રજાતિઓની નોંધણી રાજ્યમાં જૈવવિધતાના સશક્ત સંકેત આપે છે. આ પરિણામો દર્શાવે છે કે યોગ્ય સંરક્ષણ અને સહયોગથી કુદરતી વારસાનું રક્ષણ શક્ય છે.
