ભકિતનગરના પોલીસમેન સામે પ્ર.નગરમાં નોંધાયો હતો ગુનો
યુવતીએ કરેલ દુષ્કર્મની ફરિયાદમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે. ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણ સામે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાઈ ત્યારથી આરોપીઓ કોન્સ્ટેબલ નાસતો ફરે છે, હવે આગોતરા રદ થતા ધરપકડ થાય તેવી સંભાવના છે.
કેસની વિગત મુજબ, ગત તા.5-3-2026 ના રોજ પ્ર.નગર વિસ્તારમાં રહેતી યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અમિતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (રહે.રેલનગર, રાજકોટ)એ ફરિયાદી યુવતીને અપરણિત હોવાનું જણાવી તેણીની સાથે લગ્ન કરશે તેવું વચન અને વિશ્વાસ આપી અવારનવાર ફરિયાદી યુવતી સાથે દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ લખાવતા પોલીસે ગુન્હો નોંધી તે ગુનાની તપાસ શરૂ કરતા અમિતસિંહએ તેમની ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો નોંધાયેલો છે અને આરોપી પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને તે કાયદાના જાણકાર છે તેમને કાયદાનું રક્ષણ કરવાનું હોય, જો તે જ કાયદાનો ભંગ કરે તે યોગ્ય નથી. આવા દુષ્કર્મના ગુનામાં આગોતરા જામીન આપવા જોઈએ નહીં. તેથી તેમની આગોતરા જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આગોતરા જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
