મોરબી સહિત 11 શહેરોમાં ઉડાન યોજના હેઠળ એરપોર્ટ તૈયાર કરાશે
ગુજરાતમાં ઉડ્ડયન કલ્ચરને વધુ સુલભ બનાવવા અને તેના આધારે પ્રવાસનને પણ વેગ મળે. રોજગારી પણ વધે તે હેતુથી રાજય સરકારે હવે દ્વારીકા-અંબાજી-પાલીતાણા-મોરબી અને ધોરડો સહિતના 11 સ્થળોએ ‘ઉડાન’ યોજના હેઠળ મીની પણ સુવિધાપૂર્ણ એરપોર્ટ તૈયાર કરવા અને ધાર્મિક સર્કીટ ધરાવતા અને પ્રવાસન માટે પણ 7 સ્થળોએ હેલીકોપ્ટર સેવા માટે હેલીપોર્ટ તૈયાર કરવા નિર્ણય લીધો છે.
સરકાર આ માટે અગાઉના અનુભવના આધારે ‘ઉડાન’ યોજનાને વધુ સારી રીતે લાગુ કરવા માંગે છે. ખાસ કરીને સહેલાણી અને ધાર્મિક સ્થળો પર તે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા પહેલા પુરતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરશે. ફકત હેલીપેડ નવી હેલીપોર્ટની વ્યવસ્થા હશે તો વ્યાપાર-પ્રવાસન અને ધાર્મિક સ્થળોને સાંકળીને 11 એરપોર્ટ તૈયાર કરશે જેમાં અંકલેશ્ર્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારીકા, ધોરડો (કચ્છ), રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા, પાલીતાણાનો સમાવેશ થાય છે તો સોમનાથ, દ્વારીકા, અંબાજી અને સાપુતારા, ડાંગ, ગીર સોમનાથ, ધોરડો અને ધોલાવીરા, વડનગરમાં હેલીપોર્ટ તૈયાર કરાશે. સરકાર રીલીજીયસ કનેકટીવીટી વધારવા માંગે છે અને ભૂતકાળમાં જે રીતે રાજકોટ, સુરત વિ.ને સાંકળતી નાના વિમાનોની સેવાનો પ્રારંભ થયો હતો તેને ભવિષ્યમાં શરૂ કરશે. નાગરીક ઉડ્ડયન વિભાગે સાત સ્થળોએ જમીન પ્રાપ્તી કરી છે. અમદાવાદમાં હેલીપોર્ટ બનાવવા હાંસોલને પસંદ કરાઈ છે જે માટે ટેન્ડર બહાર પડી ગયા છે. 9 એકર જમીનમાં હેલીપોર્ટ બનશે. સાપુતારામાં 5.31 હેકટર જમીન વડનગર નજીક ગ્રંથમાં 2 હેકટર જમીન મેળવાઈ છે. સૌરાષ્ટ્રમાં દ્વારીકામાં 2028 પુર્વે હેલીપોર્ટ તૈયાર થઈ જશે. બાદમાં 2029માં સાપુતારામાં ખુલ્લુ મુકાશે.
હેલીપોર્ટ એ નાના એરપોર્ટ જેવું જ હશે. જેમાં ટર્મીનલ, હેલીકોપ્ટર પાર્કીંગ, રીફયુલીંગ, મુસાફર ને માટે આરામદાયક સુવિધા હશે. જેમાં રૂા.6.62 કરોડથી રૂા.20 કરોડનો ખર્ચનો અંદાજ છે. સાપુતારા જેવા સહેલાણી સ્થળોએ ફુડ કોર્ટ, શોપીંગ મોલ પાર્કીંગ અને અન્ય પ્રવાસન સુવિધા હશે. આ માટે આધુનિક હેલીકોપ્ટર પુરા પાડી શકે તેવી કંપનીઓને પ્રાથમીકતા અપાશે જેની સી-પ્લેન જેવો અનુભવ ફરી થાય નહી.
