કોવિડ કાળનું પુનરાવર્તન: સેન્સેક્સ બે વર્ષના તળીયે
મધ્ય પૂર્વના યુધ્ધથી પ્રચંડ ફટકો: એક જ મહિનામાં સેન્સેક્સ-નિફટી 11-11 ટકા ગગડ્યા: ક્રૂડની તેજી-રૂપિયાની મંદી પેટ્રોલીયમ સંકટ, અર્થતંત્ર પ્રભાવિત થવાની આશંકા સહિતના કારણોથી ગભરાટનો માહોલ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુધ્ધને એક મહિનો થઇ ગયો છે. ક્રૂડ-ગેસ સહિતની ચીજોની સપ્લાય ચેઇન ખોરવાયાને પગલે ભારત સહિત દુનિયાભરના દેશો પ્રભાવિત થયા છે અને તેમાં શેરબજારનો કરચરઘાણ નીકળી ગયો છે. માર્ચ મહિનો શેરબજાર માટે કોવિડકાળ જેવો સૌથી ખરાબ બન્યો છે. સેન્સેક્સ બે વર્ષના તળીયે ધસી આવ્યો હતો.
માર્ચ મહિનામાં સેન્સેક્સ તથા નિફટીમાં 11 ટકા જેવો ધરખમ કડાકો સર્જાયો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે સેન્સેક્સ 71948 બંધ આવ્યો હતો. જે 14 ફેબ્રુઆરી-2024 પછીનું સૌથી નીચું સ્તર રહ્યું છે. નિફટી 22331 બંધ હતો તે 7 એપ્રિલ-2025 પછીની સૌથી નીચી સપાટીએ રહ્યો હતો.
માર્ચ મહિનામાં જ ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 51.1 લાખ કરોડનું ધરખમ ધોવાણ થયું હતું અને 412.2 લાખ કરોડનું રહી ગયું હતું.
શેરબજારમાં માર્ચ મહિનાની પ્રચંડ મંદી પાછળનું એક માત્ર મુખ્ય કારણ ઇરાન યુધ્ધ રહ્યું છે. એક મહિનાથી યુધ્ધ ચાલી રહ્યું છે તેમાં શાંતિ વાટાઘાટોના પ્રયત્નો સફળ થતાં નથી. દિવસો દિવસ યુધ્ધ વકરી રહ્યું છે તેમાં સૌથી મોટી ચિંતા ક્રૂડ-રાંધણગેસ સહિતની ચીજોની સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવા પર પ્રતિબંધ મુકી દીધો હોવાથી ખાસ કરીને પેટ્રોલીયમ ચીજોનું સંકટ સર્જાયું છે અને તેની અસર આવનારા દિવસોમાં વધુ ગંભીર સ્વરૂપ પકડી શકે છે. પેટ્રોલીયમ સંકટની અસર હેઠળ વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જબરદસ્ત તેજી થઇ છે. બ્રેન્ડ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું છે. ગઇકાલે 120 ડોલરને આંબી ગયું છે. યુધ્ધ લાંબુ ચાલવાના સંજોગોમાં 150થી 200 ડોલરે પહોંચવાની આગાહી કરવામાં આવી છે તે સંજોગોમાં માત્ર ભારતીય જ નહીં દુનિયાભરની અર્થ વ્યવસ્થા માટે અતિ ખરાબ હાલત સર્જાઇ શકે છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભારતને લાગે વળગે છે ત્યાં સુધી પેટ્રોલીયમ સપ્લાય જાળવવાના પ્રયાસો અત્યાર સુધી થયા હોવા છતાં ઉંચા ભાવ અને રૂપિયાની નબળાઇને કારણે બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.
રો-મટીરીયલ્સની તંગીથી કોર્પોરેટર ક્ષેત્ર પ્રભાવિત થઇ રહ્યું છે, કોર્પોરેટ પરિણામો પ્રભાવત થશે અમુક એજન્સીઓએ ભારતનું રેટીંગ ઘટાડી જ નાખ્યું છે. મોંઘવારીનું જોખમ વધી રહ્યું છે, યુધ્ધના અંતના એંધાણ નથી એટલે આવતા દિવસોમાં હજુ અનિશ્ર્ચિતતા રહે તેમ છે પરિણામે ગભરાટનો માહોલ દૂર થાય તેમ નથી.
