ચોટીલા હાઈવે પર શ્રદ્ધાનો મહાસાગર: ‘જય ચામુંડા માં’ના નાદ સાથે લાખો પદયાત્રીઓનું ચોટીલામાં આગમન

ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી, ચૈત્રી પૂનમે ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ

2 એપ્રિલ, ગુરુવારના રોજ પવિત્ર ચૈત્રી પૂનમ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે પર અત્યારે માત્ર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. હવામાં ગુંજતા ‘જય ચામુંડા’ના નાદ અને ભક્તિમય વાતાવરણને કારણે સમગ્ર પંથક માતાજીના રંગે રંગાયો છે.
ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ ચૈત્રી નવરાત્રી બાદ આવતી આ પૂનમનું વિશેષ મહત્વ હોવાથી ગુજરાતના ખૂણેખૂણેથી વિવિધ સમાજના ભક્તો સંઘો લઈને ચોટીલા આવી રહ્યા છે. પદયાત્રીઓ હાથમાં ધજા, માતાજીનું ત્રિશુલ અને ગરબા લઈને ગરબાના તાલે ઝૂમતા-ગાતા ડુંગરવાળીના દ્વારે પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમી હોવા છતાં, અનેક માઈભક્તો ઉઘાડા પગે કષ્ટ વેઠીને માતાજીના આશીર્વાદ લેવા અવિરત આગળ વધી રહ્યા છે.
આવતીકાલે પૂનમના દિવસે માનવ મેદનીમાં હજુ પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાઈવે અને મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ચૈત્રી પૂનમના આ પવિત્ર અવસરે ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનાર્થે અબાલ, વૃધ્ધો સાથે યુવાનો અને બાળકો સાથે ઉભરતા માનવ પ્રવાહે ચોટીલા ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન બની ગયું છે.
સેવાનો અવિરત પ્રવાહ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ કાર્યરત
પદયાત્રીઓની સુવિધા માટે હાઈવે પર ઠેર-ઠેર સેવા કેમ્પો કાર્યરત છે. જ્યાં 24 કલાક ભોજન, નાસ્તો, છાસ, શરબત, ફ્રૂટ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.આરામની સુવિધા થાકેલા યાત્રીઓ માટે ટેન્ટ અને ગાદલાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચોટીલા રેવન્યુ વિભાગના સ્ટાફની પ્રશંસનીય સેવા છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ ચોટીલા પ્રાંત કચેરી અને મામલતદાર ઓફિસના સ્ટાફ પરિવારે પદયાત્રીઓની સેવા માટે કેમ્પ યોજી રાત-દિવસ એક કર્યા છે.
ભીડનો લાભ લેતા તત્વો સામે રોષ…
એક તરફ જ્યાં સેવાનો ધોધ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ કેટલીક ફરિયાદો પણ ઉઠી છે. યાત્રિકોની ભારે ભીડને કારણે હાઈવે પરની હોટલો અને ગેસ્ટ હાઉસ હાઉસફુલ છે. કેટલાક ખાનગી ગેસ્ટ હાઉસ સંચાલકો દ્વારા ન્હાવા માટે પણ રૂ. 500 જેવી મોટી રકમ વસૂલીને ભક્તોની મજબૂરીનો લાભ લેવામાં આવતો હોવાની રાવ યાત્રિકોમાં ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ