રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ભર ઉનાળે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં ફેરફાર થઇ રહયો છે. થોડા દિવસ પુર્વે વરસેલા કમોસમી વરસાદ બાદ હવે આજથી આગામી તા. પ એપ્રિલ સુધી રાજયમાં માવઠાની આગાહી રાજયના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહીના કારણે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં એકી સાથે ત્રણ શકિતશાળી હવામાન સિસ્ટમ સક્રીય થતા રાજયમાં તા. પ એપ્રિર્લ સુધી હળવાથી મઘ્યમ કમોસમી વરસાદ વરસશે. રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા પંથકમાં આજથી ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. તેમજ આગામી બે દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શકયતા વ્યકત કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આ જ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના સપાટી પરના પવન (ઝડપી ઝાપટાં સાથે) સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.
ત્યારે કાલે તા. 2 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જેવા ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં તેમજ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના સપાટી પરના પવન (ઝડપી ઝાપટાં સાથે) સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.
જયારે આંબાલાલ પટેલના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ઠિસ્ટર્બન્સ ટ્રુફ લાઇન અને ઇન્ડયુઝડ સાયકલોનીક સકર્યુલેશનની સંયુકત અસર રાજયના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે.
રાજકોટ શહેરમાં બુધવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આખો દિવસ આકરો તાપ રહયા બાદ સાંજે વાદળીયુ વાતાવરણ થઇ ગયું હતું. આગામી ત્રણ દિવસ વાદળીયુ વાતાવરણ રહેવાની અને છુંટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
