મનરેગા હેઠળ કામગીરી થવાની હતી, પરંતુ તાલુકા કક્ષાએ જોબ કાર્ડ ન બનાવી દેવાતા યોજના ઠપ્પ
ઉના નજીકના ધોકડવા ગામે યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી ક્રિકેટ, વોલીબોલ અને અન્ય ખેલકૂદ માટે પ્લે ગ્રાઉન્ડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. મનરેગા યોજના હેઠળ તાલુકા પંચાયતની મનરેગા શાખા દ્વારા વર્ષ 2023માં વર્ક ઓર્ડર કાઢીને રૂ. 6,15,110ની રકમ ફાળવવામાં આવી હતી. છતાં આજદિન સુધી ગ્રાઉન્ડનું નિર્માણ થયું નથી. ગ્રામ પંચાયત ધોકડવા દ્વારા તમામ પ્રમાણપત્રો, ટી.એસ. અને તાંત્રિક મંજૂરી મેળવીને જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથને દરખાસ્ત મોકલવામાં આવી હતી. તા. 11.03.2023ના રોજ વહીવટી મંજૂરી નં. 1131001/ 2823-2024/34824/અજથી રૂ. 6,15,110ની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. શરત મુજબ આ કામ ગામના જોબ કાર્ડ ધારક શ્રમિકો દ્વારા જ કરવાનું હતું અને સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો વર્ષ 2024માં ઓર્ડર રદ કરવાની જોગવાઈ હતી. પરંતુ ગીરગઢડા તાલુકા પંચાયતની મનરેગા કચેરી કક્ષાએથી ધોકડવાના શ્રમિકોના જોબ કાર્ડ જ ઈસ્યુ ન થતાં 40 ટકા મજૂરી અને 60 ટકા મટીરિયલ સહિત સમગ્ર કામગીરી ઠપ્પ થઈ ગઈ. પરિણામે યુવાનોનું રમતગમતનું સ્વપ્ન રોળાઈ ગયું અને ગ્રાન્ટ નહીં વપરાતાં તાંત્રિક મંજૂરીનો ઓર્ડર રદ થયો. ચૂંટણીના સમયે આ મુદ્દો ગ્રામજનોમાં આક્રોશનું કારણ બન્યો છે.
અંતે ઓર્ડર રદ થયો
ધોકડવાના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને પૂર્વ સરપંચ પ્રતિનિધિ એભલભાઈ બાંભણીયાએ આક્ષેપ કર્યો છે કે, “ધોકડવા ગામે વિકાસકામો થાય તો સરપંચ અને ચૂંટાયેલી બોડીને જશ મળે, તેથી તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠેલા રાજકીય લોકોએ છળકપટ કરીને જાણી જોઈને જોબ કાર્ડ બનતા અટકાવ્યા. જોબ કાર્ડના અભાવે મનરેગા યોજના અંતર્ગત મજૂરી કામ નહીં મળતાં આ પ્લે ગ્રાઉન્ડનું કામ થયું જ નહીં અને આખરે મનરેગાની ગ્રાન્ટ નહીં વપરાતાં ઓર્ડર રદ થયો.” તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના માહોલમાં આ મુદ્દાએ ભારે ચકચાર જગાવી છે અને યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
