જાગનાથ વિસ્તારમાં 12 દી’થી પાણી નહીં મળતા મહીલાઓમાં રોષ
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે જાગનાથ વિસ્તારમાં બાર બાર દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ હોવાથી રેલવે સ્ટેશન, જીનમિલ અને જાગનાથ પ્લોટની 150 મહિલાઓ ભેગી મળીને પાણી આપો પાણી આપો જેવા સુત્રોચ્ચાર પોકારીને હલ્લાબોલ મચાવી નગરપાલિકા આખી ગજવી મૂકી હતી.
ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડ પર એક જર્જરિત પુલ હોવાથી અને તેની બાજુમાંથી આ તમામ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે તેની મુખ્ય પાણીની પાઈપ લાઈન પસાર થાય છે.ત્યારે આ પુલ ખંઢેર બની જતા કલેક્ટરના આદેશ મુજબ આ વોંકળીનો પુલ નવો બનાવાનો હોવાથી આરએનબી વિભાગે આજથી દોઢ મહિના પહેલા પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી કે તમારી પાણીની પાઈપ લાઈન આ પુલ ઉપર છે તે આઠ દિવસમાં ફેરવી લેજો નહિતર અમે પુલ પાડી નાખશું. છતાં પાલિકા દ્વારા આઠ દિવસના બદલે જાણીજોઈને કામગીરીમાં ધીમી ગતી વાપરીને આજ દિવસ સુધી પાણીની પાઈપ લાઈન નો કોઈ ઉકેલ ના આવતા આ તમામ વિસ્તારમાં બાર બાર દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ હોવાથી આજે મહિલાઓ ની ધીરજ ખૂટી જતાં તે વિસ્તારની તમામ મહિલાઓ ભેગી મળીને ટોળા રૂપી પાલિકામાં સુત્રોચ્ચારો કરી ને પાણી આપો પાણી આપો જેવા નારા લગાવીને હલ્લાબોલ મચાવી દીધો હતો ત્યારે ચીફ ઓફિસર ઓફિસે આવીને મહિલાઓની રજૂઆત સાંભળીને તેમને જણાવ્યું હતું કે આજે બપોર પછી પાણી ચાલુ નહિ. થાય તો હું આ વિસ્તારમાં તાત્કાલિક પાણીના ટેન્કર ચાલુ કરાવી આપીશ તેમ મહિલાઓના ટોળાને શાંત કરીને ગરમ મામલાને નરમ કરી દીધો હતો.
