સુત્રાપાડા નગરપાલિકાનું સૌથી વધુ 81.07 ટકા, વેરાવળ તાલુકા પંચાયતમાં 71.70, જિલ્લા પંચાયતમાં વેરાવળમાં 65.63 ટકા મતદાન: ઈવીએમ મશીન સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન આજે પૂર્ણ થયેલ છે. સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે છ વાગ્યા સુધીમાં વેરાવળ નગરપાલિકામાં સરેરાશ 69.81 ટકા જેવું ધીંગુ મતદાન થયેલ છે. જે ગત ટર્મની સરખામણીએ સાડા ત્રણ ટકા મતદાન વધુ થયેલ છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયત તથા જીલ્લા ની 6 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારો મેદાનમાં રહેલ હતા. જિલ્લાના મતદાન મથકમાં વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારોમાં ઉત્સાહ નજરે પડતો હતો. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જીલ્લા પંચાયતમાં 64.55 ટકા તથા જીલ્લાની ચાર નગરપાલિકામાં ઉના માં 63.93 ટકા, વેરાવળમાં 69.81 ટકા, સુત્રાપાડામાં 81.07 ટકા અને તાલાલામાં 64.09 ટકા અને જીલ્લાની છ તાલુકા પંચાયતોમાં કોડીનારમાં 60.50 ટકા, સુત્રાપાડામાં 69.05 ટકા, વેરાવળમાં 71.70 ટકા, તાલાલામાં 69.07 ટકા, ઉનામાં 62.73 ટકા અને ગીરગઢડામાં 59.70 ટકા મતદાન થયેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકો પર 85 ઉમેદવારો, તાલુકા પંચાયતની 128 બેઠકો પર 354 ઉમેદવારો અને વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાની 128 બેઠકો પર 273 ઉમેદવારો ચૂંટણી લડેલ અને આ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમ માં કેદ થયા છે જેની તા.28 ના મંગળવારે મતગણતરી થનાર છે. વેરાવળ-પાટણ નગરપાલિકાના વોર્ડ નં.2 માં સૌથી વધુ 16 ઉમેદવારો હોવાથી બે બેલેટ યુનિટ નો ઉપયોગ કરવામાં આવેલ હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થયેલ હતી અને મતદાન કેન્દ્રો પર વહેલી સવારે જ મતદારોની લાઈનો જોવા મળી હતી અને લોકો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ની શરૂઆત થયેલ અને દરેક મતદાન મથક પર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહેલી સવાર થી જ વેરાવળ ના નાગરિકો પોતાના પવિત્ર અને કીમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર જોવા મળેલ હતા.
સાંજે પાંચ વાગ્યા સુધીના આંકડા
ગીર-સોમનાથ જીલ્લા પંચાયતની ર8 બેઠકો વેરાવળ તાલુકામાં આવેલી પ બેઠકોમાં 65.63 ટકા, તાલાલા તાલુકામાં આવેલી 3 બેઠકોમાં 54.29 ટકા, સુત્રાપાડા તાલુકામાં આવેલી 4 બેઠકોમાં 61.50 ટકા, કોડીનાર તાલુકામાં આવેલી પ બેઠકોમાં 60.50 ટકા, ઉના તાલુકામાં આવેલી 7 બેઠકોમાં 56.53 ટકા અને ગીરગઢડા તાલુકામાં આવેલી 4 બેઠકોમાં 53.62 ટકા મળી કુલ 64.55 ટકા મતદાન થયેલ છે.ગીર-સોમનાથ જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં વેરાવળની રર બેઠકો માટે 65.63 ટકા, તાલાલાની 18 બેઠકો માટે 54.29 ટકા, સુત્રાપાડાની 17 બેઠકો માટે 61.37 ટકા, કોડીનારની ર4 બેઠકો માટે 60.50 ટકા, ઉનાની ર5 બેઠકો માટે 56.88 ટકા અને ગીરગઢડાની ર0 બેઠકો માટે 53.62 ટકા મતદાન થયેલ છે.આ ઉપરાંત ચાર નગરપાલિકાઓમાં વેરાવળના 11 વોર્ડના 44 માંથી એક બીન હરીફ થતા 43 ઉમેદવારો માટે 69.81 ટકા, ઉનાના 28 ઉમેદવારો માટે 56.94 ટકા, સુત્રાપાડાના ર3 ઉમેદવારો માટે 76.40 ટકા, તાલાલાના ર4 ઉમેદવારો માટે 55.18 ટકા મતદાન થયેલ છે.
