ચોમાસામાં પાણી ન ભરાય અને લોકોની આરોગ્ય-સુખાકારી જળવાય તે માટેના પગલા લેવા સુદ્રઢ આયોજન કરવા જિલ્લા કલેક્ટરનું માર્ગદર્શન
ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ- મોન્સૂન તૈયારી અંગેની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની ઋતુમાં નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગમચેતીના પગલા ભરી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેમજ લોકોની આરોગ્ય સુખાકારી જળવાય તે માટે આગોતરુ આયોજન કરવા માટે કલેક્ટર એ જરુરી માર્ગદર્શન આપ્યું હતું.કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી સૂચનાઓ આપી અને પ્રિ-મોન્સૂન અંગેની કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે કલેક્ટર એ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. કલેક્ટર એ અતિવૃષ્ટિની સ્થિતિમાં બોટ, જનરેટર, ફ્લડ લાઈટ્સ, કટર સહિતના સાધનો ચાલુ કન્ડિશનમાં હોય તેની ચકાસણી કરવા અને કંટ્રોલ રૂમની હેલ્પલાઈનમાં ત્વરિત જવાબ દેવા સહિત વોટર ડ્રેનેજ લાઈન ક્લિન કરવા, રેઈનગેજ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવા-ઈન્જેક્શન સહિત કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવા તેમજ જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સમયે અગાઉથી એલર્ટ કરવાની વ્યવસ્થા, આશ્રયસ્થાનોની સ્થિતિ સહિત વિવિધ પાસાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગ અને મકાન વિભાગ, ફિશરીઝ, બંદર વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ, નગરપાલિકા, સિંચાઈ, પી.જી.વી.સી.એલ. , પુરવઠા, પશુપાલન, વનવિભાગ, વાહનવ્યવહાર, ખેતીવાડી, પાણીપુરવઠા સહિત વિવિધ વિભાગની કામગીરી અંગે ચિતાર રજૂ કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત કરવાની થતી કામગીરી વિશે અવગત કરી ઔદ્યોગિક અને જન સુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુથી મોકડ્રીલ તેમજ કંટ્રોલરુમ માટે જરુરી સ્ટાફ ફાળવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, કે.આર.પરમાર, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
