રાજકોટ રાજયમાં ફરી 43 ડીગ્રીએ હોટ સીટી બન્યું : આગ ઝરતી ગરમીએ કહેર મચાવ્યો

અમરેલીમાં 4ર.1, ભાવનગરમાં 40, ભુજમાં 39, કંડલામાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે આગ ઝરતી ગરમીએ કહેર વરસાવ્યો હતો. આજે રાજકોટ માત્ર સૌરાષ્ટ્રનું જ નહી પણ ગુજરાતનું 43 ડીગ્રી તાપમાન સાથે હોટ સીટી બન્યું હતું.
આજે અમરેલીમાં 4ર.1, ભાવનગરમાં 40,ભુજમાં 39.8, દિવમાં 3ર.8, દ્વારકામાં 3ર.6, કંડલામાં 39, નલીયામાં 37.6, ઓખામાં 33.ર, પોરબંદરમાં 34.ર, વેરાવળમાં 3ર.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં વ્હેલી સવારે ભેજવાળા પવનથી થોડી રાહત રહ્યા બાદ આજે બપોરથી ફરી સુકા અને ગરમ પવનોનો મારો ચાલુ થઇ જતા નગરજનો આગઝરતી લુંથી બેબાકળા બની ગયા હતા.
સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે ર.30 કલાકે શહેરમાં ર6 કિ.મી.ની ઝડપે અંગ દઝાડતી લુંથી લોકો ત્રસ્ત બની ગયા હતા.
ગરમાગરમ પવન ફુંકાતા શહેરનાં રાજમાર્ગો અને બજારો સુમસામ ભાસતા નજરે પડયા હતા. જયારે બપોરે હવામાં ભેજ પણ ઘટીને માત્ર 16 ટકા થઇ જતા તાપ અને લુંનો પ્રભાવ વધી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજથી ચાલુ સપ્તાહમાં તાપમાનમાં ર થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી આગાહી કરી છે. પરંતુ આકરી લું ફુંકાતી રહેશે તેવું પણ જણાવેલ છે.
ભાવનગરમાં ગરમી -ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો અકળાયા
ભાવનગર શહેરમાં આજે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 26 કી.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 44 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 26 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

રિલેટેડ ન્યૂઝ