જામનગર-રાજકોટ હાઈવે પર પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવતા ટ્રકે ફંગોળ્યા, અકસ્માત બાદ ચાલક ફરાર
જામનગર-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત નો બનાવ બન્યો હતો, જેમાં ટ્રક ની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરુણ મૃત્યુ નિપજ્યાં છે. આ અંગે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે.
ધ્રોળ પોલીસ મથકમાં જાહેર થયેલી ફરિયાદ મુજબ, ગઈકાલે મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના આસપાસ ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનો મોટરસાયકલ લઈને પોતાની સાથેજ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુની ધર્મસિંહ સાથે ધ્રોળ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન ધ્રોળ માર્કેટિંગ યાર્ડ નજીક જી.જે.12 સી.ટી. 1254 નંબરના ટ્રક ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી હંકારતા બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુનીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધવામા આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પુરાવા એકત્રિત કર્યા છે, અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
શેખપરના પાટિયા પાસે કાર ઠોકરે યુવાનને ઈજા
જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો. યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે અચાનક આવી પહોંચેલી કાર સાથે અથડામણ થતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે સામતભાઈ વાઘેલા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા જરૂરી નોંધ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
