બહેનોએ સીડીપીઓને આવેદન પત્ર પાઠવ્યુ
સાવરકુંડલા શહેરની આંગણવાડી વર્કર બહેનો દ્વારા આઇ.સી.ડી.એસ. શાખા તેમજ નગરપાલીકા કચેરીમાં વસ્તી ગણતરી કામના બહિષ્કાર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
આંગણવાડી વર્કર બહેનો દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા તેમની વેદનાને ઘ્યાને લેવામાં આવતી નથી. સરકારશ્રીના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓને આઇસીડીએસ યોજના સિવાયની કોઇપણ વધારાની કામગીરી સોંપવી નહીં. કેમ કે તેઓની કામગીરી જ એટલી ભારણવાળી છે કે તેઓને સાત-સાત એપ્લિકેશનમાં વર્ક કરવાનું હોય છે. જેમાં કુપોષિત બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા સ્ત્રીઓની સાથેનું અતિસંવેદનશીલ કાર્ય જોડાયેલુ છે. આટલા કામનાં ભારણ વચ્ચે વધારાના કામગીરીનું ભારણ માનવતાની રીતે પણ યોગ્ય નથી. અને જયારે તેઓ માનદ વેતનમાં જોડાયેલા છે સરકાર દ્વારા હજુ તેમની માંગણીઓ સ્વીકારવાની વાત પ્રોસેસમાં છે ત્યારે જે કામમાં તે અત્યારે જોડાયેલા છે તે સેવાઓમાં પણ સીધી અસર થાય અને સરકારના પરિપત્રમાં એ નોંધ પણ છે કે તેમના આઇડીએસના કામમાં કોઇપણ રીતે વિક્ષેપ ન થાય કારણ કે તે સગર્ભા સ્ત્રીઓ અને નાના ભુલકાઓ સાથે જોડાયેલી સંવેદનશીલ કામગીરી છે. ત્યારે સાવરકુડલામાં આજે સી.ડી.પી.ઓ. જયોત્સનાબહેનને બહેનોએ પોતાની વેદના સમજવા અને તંત્રને બીજી કામગીરી ન સોંપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
