જમીનના ભાગના વિવાદમાં અમરેલીના ખાંભાના કંટાળા ગામે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી

જમીનના ભાગ પાડવાના વિવાદનો લોહિયાળ અંજામ
3 શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીઓને ઝડપવા પોલીસની તજવીજ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે માતાની જીવાઈ માટેની ખેતીની જમીનના ભાગ પાડવા બાબતે કૌટુબિંક સર્જાયેલા વિવાદે કરુણ અને લોહિયાળ વળાંક લીધો હતો. આ જમીનના હક્ક અને ભાગ પાડવાને લઈને થયેલી ઉગ્ર તકરાર દરમિયાન મોટાભાઈએ પોતાના જ નાના ભાઈ પર લાકડી અને કુહાડી વડે હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચાડતા નાના ભાઇનું મોત નીપજ્યું હતું. ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ખાંભા પોલીસે આ મામલે છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
’જર, જમીન અને જોરૂ કજીયાના છોરું’ કહેવત ફરી એક વાર સાચી સાબિત થઈ હોય તેવી ઘટના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે પ્રકાશમાં આવી છે. જમીનના ભાગ પાડવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા મતભેદે અંતે હત્યા સુધીનો ગંભીર વળાંક લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કંટાળા ગામે રહેતા રાઘવભાઈ સોંદરવા અને તેમના પરિવારજનો વચ્ચે માતાની જીવાઈની ખેતીની જમીનના ભાગ પાડવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે અગાઉ પણ અનેક વખત તકરારો થઈ હતી. દરમિયાન બુધવારે વિવાદ વધુ ઉગ્ર બનતાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા.
આ દરમિયાન મોટાભાઈ સહિતના પરિવારના સભ્યોએ રાઘવભાઈ સોંદરવા ઉપર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં રાઘવભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પરિવારજનો અને ગામલોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખાંભા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવને લઈને ખાંભા પોલીસે કુલ છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ