નૈઋત્યના ચોમાસા પર સરકારની પણ નજર: ઓછો વરસાદ પડે તો કટોકટીનો પ્લાન તૈયાર
દેશમાં દાળનો સ્ટોક 43 લાખ ટન: ઘઉંનો 513 લાખ ટન અને ચોખાનો 397 લાખ ટન આ ત્રણેય કોમોડીટી ભાવ વધારાને બ્રેક મારશે
દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે પરંતુ આ વર્ષે અલનીનોની શક્યતા હોવાથી કૃષિ ઉત્પાદનમાં મોટી અસર થશે અને તેથી સરકારે અલનીનો સામે લડવાની તૈયારી શરુ કરી દીધી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશ પાસે હાલ વિવિધ દાળનો પુરતો સ્ટોક છે અને કૃષિ ક્ષેત્રે જે કાંઇ તકલીફો પડશે અને ભાવ વધારો થશે તો તેને નિયંત્રણમાં રાખવા માટે દાળનો આ સ્ટોક સરકાર બજારમાં મુકશે. હવામાન વિભાગે આ વર્ષે 90 ટકા ચોમાસુ રહેવાનો વરતારો કર્યો છે અને તેના કારણે કૃષિ ઉત્પાદન ઘટશે. સરકાર પાસે હાલ 43 લાખ ટન દાળનો બફર સ્ટોક છે જે હાલ ગત વર્ષની સરખામણીએ ડબલ જેટલો છે. હવે ખરીફ સીઝનમાં દાળના ઉત્પાદનમાં અલનીનોને કારણે ઘટાડો થશે. તો હાલના સ્ટોકને બજારમાં મુકીને ભાવ વધારાને કાબુમાં રાખવાની યોજના તૈયાર કરી છે.
આ ઉપરાંત દેશમાં ઘઉંનો પણ 513 લાખ ટનનો સ્ટોક છે જે 1 જુલાઇના માપદંડમાં 275 લાખનો સ્ટોક હોવો જોઇએ તેના કરતા ડબલ છે. આ ઉપરાંત ચોખાનો સ્ટોક પણ 397 લાખ ટનનો છે જે પણ જરુર કરતાં ત્રણ ગણો છે.
જો કે સરકારને ખાતરની ચિંતા કરવી પડશે. વર્તમાન સમયમાં ખાતરનો જરુરી સ્ટોક કરતાં 51 ટકા જ ઉપલબ્ધ છે અને સરકાર પાસે વધુ સ્ટોક કરવા માટે હાલ ખાતર ઉપલબ્ધ નથી. આખી ખાતરની ચિંતા આગામી દિવસોમાં તંત્રને વધુ કરવી પડશે. અલનીનોના કારણે વરસાદમાં જે ઘટાડો થશે તે ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડશે. સરકાર માને છે કે તેમ છતાં પણ પરિસ્થિતિ સંભાળવા માટે તેની પાસે પુરતા સ્ત્રોત ઉપલબ્ધ છે.
