સોરઠ પંથકમાં વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો મગફળી સહીતના ખરીફ પાકનું વધુ ઉત્પાદન મળવાની આશા

સોરઠ પંથકમાં ચોમાસાની આગાહી વચ્ચે માળિયા હાટીના તાલુકાના પિયત વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળીની વાવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સિંચાઈની પૂરતી સગવડ ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં ખેડૂતો પિયત આપી વાવેતર કાર્યમાં જોડાયા છે.
ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરતા પહેલાં પરંપરાગત રીતે જમીનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવતા બળદોનું પૂજન કરી તેમને તિલક કરવામાં આવ્યા હતા. શુભ પ્રસંગે ખેડૂતોને કુમકુમ તિલક કરી ગોળ-ધાણા વહેંચવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાવણી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગ્રામ્ય સંસ્કૃતિ અને કૃષિ પરંપરાઓને જાળવી રાખતા ખેડૂતો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથે સારા વરસાદ અને સમૃદ્ધ પાક માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચોમાસા પહેલાં શરૂ થયેલી વાવણીને કારણે ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ જો સમયસર અને પૂરતો વરસાદ થશે તો આ વર્ષે મગફળી સહિતના ખરીફ પાકનું સારું ઉત્પાદન મળવાની આશા છે. પરંપરા, શ્રદ્ધા અને મહેનતના સંગમ સાથે ખેડૂતો દ્વારા વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે, જે ગ્રામ્ય જીવનની સમૃદ્ધ સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ છે.

રિલેટેડ ન્યૂઝ