રાજકોટમાં 11 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર પરિણીત ઢગો ઝડપાયો

પોક્સો એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસનો દોર લંબાવ્યો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે માસૂમ બાળાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહજી ગાર્ડન નજીક રહેતા આશરે 30થી 35 વર્ષના એક પરિણિત શખ્સે 11 વર્ષની માસૂમ બાળા સાથે વિકૃત અને બિભત્સ હરકતો કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બાળાના માતાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ આરોપીને સકંજામાં લઈ કાયદેસરની તપાસ શરૂૂ કરી દીધી છે. બનાવની વિગત એવી છે કે, ગત 8મી તારીખની સાંજના સમયે 11 વર્ષની બાળા પોતાના ઘર નજીક રમી રહી હતી. આ દરમિયાન ત્યાં રહેતા આરોપી રવિ ટેલાણી નામના શખ્સે માસૂમ બાળાને લાલચ આપી અથવા તો ફોસલાવીને ‘તું અહીં મારી પાસે આવ, તારું કામ છે’ તેમ કહીને પોતાની પાસે બોલાવી હતી. બાળા જેવી તેની નજીક ગઈ કે તુરંત જ આ પરિણિત ઢગાએ માનવતા અને મર્યાદાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે બાળાના ગળાના ભાગે એક હાથ રાખીને બીજા હાથથી તેના શરીર પર બિભત્સ અડપલાં અને છેડછાડ શરૂૂ કરી દીધી હતી. નરાધમની આ વિકૃત હરકતોથી માસૂમ બાળા ભારે ગભરાઈ ગઈ હતી અને ડઘાઈ ગઈ હતી. જોકે, હિંમત ન હારીને બાળાએ તુરંત જ દેકારો મચાવવાનું શરૂૂ કરી દેતા આરોપી ગભરાઈ ગયો હતો. આ ભયાનક આપવીતી બાળાએ પોતાના વાલીને જણાવતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પોતાની વ્હાલસોયી દીકરી સાથે બનેલી આ સૃષ્ટિ વિરુદ્ધની અને વિકૃત ઘટના સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે મૌન રહેવાને બદલે નરાધમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સી. એન. દેવ તથા પીએસઆઈ એ. જે. લાઠિયા સહિતના સ્ટાફે તાકીદે ગુનો નોંધી આરોપી રવિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી તેમજ કડક ગણાતી પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઈ લીધો છે અને તેની આકરી પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ