ખેતરનું કામ પતાવી લંડન ભણવા નિકળેલો લાડકવાયો પાછો ન ફર્યો; જોડીયા ભાઈ નિલકંઠના મનમાં હજુ આકાશનો ફોબિયા
કાળના કપાળે 12 જૂન, 2025ની તારીખ અગ્નિઅક્ષરે અંકાઈ ગઈ અમદાવાદના આકાશમાં સર્જાયેલી વિભીષિકા ને આજે વર્ષ પૂર્ણ થયું, પણ ગીરગઢડા તાલુકાના જરગલી ગામના ખોરડે પથરાયેલો શોક અણનમ, અવિરત અને અક્ષય છે. ખેડૂત અરવિંદભાઈ ઉકાભાઈ ખૂંટના કુળદીપક નીલની અંતિમ ઉડાન આજે પણ પરિવારના હૈયે શૂળ બનીને ખૂંપી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉના-દીવ પંથકના અનેક મુસાફરોને ભરખી ગયેલી આ કરુણાંતિકાએ વિશ્વચેતનાને ઝંઝોળી નાખી હતી. નાના ખેડૂત અરવિંદભાઈના આંગણેથી પણ નિયતિએ ક્રૂર હાથ લંબાવ્યો.
અરવિંદભાઈ અને મનીષાબેનને ત્રણ પુત્રીઓ બાદ ઈશ્વરે જોડિયા પુત્રોની ભેટ ધરી. નીલ અને નીલકંઠ બે નામ, એક પ્રાણ અભ્યાસમાં અવ્વલ ઉચ્ચ શિક્ષણના અરમાન સેવતા. નીલનું સ્વપ્ન લંડનની ધરતી પર જ્ઞાન દીપ પ્રગટાવવાનું હતું.નીલકંઠને પણ સંગાથે જવું હતું, પણ કાગળોની કમનસીબીએ યાત્રા અટકાવી નીલ એકલો નીકળ્યોએ એકલવાયી સફર પરિવાર માટે જન્મોજનમની વેદના બની ગઈ.
17 મે, 2025ના રોજ નીલનો જન્મદિવસ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાયો કોણ જાણતું હતું કે બરાબર એક મહિના બાદ 17 જૂને એ જ આંગણે અગ્નિસંસ્કારના અંગારા પ્રગટશે? પપ્પા, થોડું ખેતરનું કામ પૂરું થઈ જાય પછી 12 જૂનની ટિકિટ બુક કરાવી લઈએ નીલના આ શબ્દો પિતાના કાનમાં આજે પણ પડઘાય છે. 5, 9 અને 12 જૂનની ત્રણ તારીખો સામે હતી,પણ નિયતિએ 12મી પસંદ કરી જે જીવનની અંતિમ તારીખ બની ગઈ.
દુર્ઘટના ના પરિવારોને આશરે સવા કરોડનું વળતર ચૂકવાયું. પણ ખૂંટ પરિવારનો આર્તનાદ છે કે નીલના મલકાટ સામે દુનિયાની દોલત તુચ્છ છે આજે પણ પુત્રની આત્માની શાંતિ અર્થે બ્રાહ્મણો, સાધુ-સંતો અને નિરાધારોને અન્ન-વસ્ત્રનું દાન અવિરત ચાલે છે.જોડિયા ભાઈ નીલકંઠના મનમાં હવે આકાશનો ભય ઘર કરી ગયો છે. લંડનમાં સગા હોવા છતાં આખું કુટુંબ હવાઈ સફરથી થરથરે છે
12 જૂનની ટિકિટ જ અંતિમ યાત્રા બની ગઈ: પિતા અરવિંદભાઈનું રૂદન
અશ્રુભીની આંખે પિતા અરવિંદભાઈ કહે છે.નીલે જ કહ્યું હતું કે પપ્પા, ખેતરનું કામ પતાવી 12મીની ટિકિટ લઈ લઈએ અમે ક્યાં જાણતા હતા કે આ નિર્ણય અમારા કાળજાના કટકા સાથેની છેલ્લીમુલાકાતબનશે. 12 જૂનની ફ્લાઇટ એના જીવનની અંતિમ સફર બની અને એરપોર્ટ પર લીધેલી સેલ્ફી જ એની આખરી યાદગીરી બની રહી.
સમય થંભી ગયો છે, યાદો રોજ રડાવે છે
ખૂંટ પરિવાર માટે સમયનું ચક્ર 12 જૂન, 2025 પર થંભી ગયું છે. એક ખેડૂતે પુત્રને ભણાવી-ગણાવી ગામનું નામ રોશન કરવાના સોનેરી સપના સેવ્યા હતા. પણ કુદરતના એક જ ઝાટકે સઘળા અરમાન રાખ થઈ ગયા. આજે પણ નીલની સ્મૃતિ માતા-પિતાની આંખો માંથી અવિરત અશ્રુધારા વહાવે છે. એરપોર્ટની એ છેલ્લી સેલ્ફી જોતાં જ હૈયું હચમચીજાય છે.કાળ ક્યારેય કરુણા નથી કરતો જરગલીના ખોરડેથી નીસરતો આ નિસાસો આજે વર્ષ પછી પણએટલો જ તીવ્ર, એટલો જ વેધક છે. નીલ ગયો, પણ એની યાદોનું અજવાળું ખૂંટ પરિવારના જીવનમાં હર હંમેશ ઝળહળતું રહેશે.
