RMC એટલે નેહલ શુકલની પેઢી? જાહેરમાં ખુલ્લા પડતા કૌભાંડને ઢાંકવા મીડિયાને હાંસિયામાં ધકેલવાનો કારસો

“ચકલી નાહી-ધોઈને ચોખાણી થઈ, ને ચડી ફૂલેકે! ધમપછાડા કરીને વરઘોડે બેઠી અને ચડી ચકડોળે!
જનરલ બોર્ડના ગૃહમાં મીડિયાને નો-એન્ટ્રી ફરમાવી: પત્રકારો-કેમેરામેનને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવા માટે ચાલુ સભાએ આદેશ છોડ્યા

રાજકોટ મહાનગરપાલિકમાં બીજી ટર્મમાં ચૂંટાયેલા નગરસેવક ડો.નેહલ શુક્લે ધમપછાડા કરીને ટિકિટ લીધી અને આવા જ ઉધામા કરીને મેયરની ખુરશી પર કબજે કર્યા પછી જાણે કે મનપા ખુદની પેઢી હોય, પોતાની જાગીર હોય તેવા ખોટા રૂઆબભર્યા નિર્ણય લેવા લાગ્યા હોવાનો કચવાટ અધિકારી વર્ગમાં તો ફેલાયો જ છે પણ આજે તો મેયરે લોકશાહી ઉપર સર થઇ જવા માટેની વધુ એક હદ વટાવી નાંખી હતી. જનરલ બોર્ડ એ લોકશાહીનું પ્લેટફોર્મ એટલે કે, સંસદીય પ્રક્રિયા માટેનું હોય છે. જ્યા જાહેરમાં સારા-નરસાની ચર્ચા થાય છે. પરંતુ રાજકોટ મનપાના ઇતિહાસમાં ક્યારેય બન્યુ ન હોય તેવી જોહુકમી મેયરે ચલાવી હતી. જનરલ બોર્ડની અંદર લોકશાહીના આધારસ્તંભ એવી ચોથી જાગીરને જનર બોર્ડમાં હાંસિયામાં ધકેલી ભરી સભામાં થતી ચર્ચાઓ, ખુલ્લા પડતા કૌભાંડો છુપાવવા માટેનો કારસો રચાયો હતો. આજે જનરલ બોર્ડમાં પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી ફરમાવી પાછળ પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવા સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુકલના ઇશારે ફરજ પાડવામા આવી હતી. જનરલ બોર્ડમાં જનતાની સમસ્યાને લઇને આવતા નગરસેવકોનો અવાજ હોય છે. વિવિધ સમસ્યા અને પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. આ ચર્ચા દરમિયાન કેટલાક છુપા કૌભાંડોના પણ પર્દાફાશ થાય છે અને ક્યાંકને ક્યાંક તેનો સીધો રેલો અધિકારીઓ ઉપર સતાપક્ષને પણ અચુક આવતો જ હોય છે. આ બધુ ઢાંકવા માટેના જ જાણે હવાતિયા હોય તેમ જનરલ બોર્ડમાં હવેથી મીડિયાને પ્રેક્ષક ગેલેરીમાં બેસવાનું તેવો ઘરની ધોરાજી જેવો નિયમ સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લએ અમલી બનાવી નાંખ્યો છે. આજે સભા ચાલુ થઇ ત્યારે પ્રશ્નોતરીમાં ચાલુ ચર્ચાએ જ મેયરે માર્સલ(સુરક્ષાકર્મીઓ)ને એવો હુકમ કર્યો હતો કે, મીડિયાકર્મીઓને પ્રેક્ષક ગેલેરીમાં જવા માટેની વ્યવસ્થા કરો.

પત્રકારોના મોબાઇલ પણ બહાર રખાવવા પ્રયાસ
આજે પત્રકારો બોર્ડમાં પહોંચતા તેમની બેઠક વ્યવસ્થા જ ગાયબ હતી. પત્રકારોને કયાં બેસવાનું એવું પુછતા સુરક્ષા સ્ટાફે પ્રેક્ષક ગેલેરીમાં જવા કહ્યું હતું. પ્રેક્ષક ગેલેરીમાં પણ કાર્યકરોએ કબજે કરેલી હતી. દરમ્યાન ગેટ પર પત્રકારોના મોબાઇલ બહાર રાખવા અને કોર્પો.માં કોઇ માંગતા ન હોય તે રીતે ઓળખ કાર્ડ માંગવાનું શરૂ કર્યુ હતું. તે દેખાડયા બાદ પણ બોર્ડમાં કોણ બોલે છે, કોણ ચર્ચા કરે છે તે માલુમ ન પડે તે રીતની બેઠક વ્યવસ્થા લાગતા પત્રકારો એક બાદ એક બોર્ડમાંથી બહાર નીકળી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ