શા.ડેસર ગામની વાડીમાંથી 30 જેટલા છોડ ઝડપાયા: ઝુડવડલી ગામે એસઓજીની કાર્યવાહી ચાલુ
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા પંથકમાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે. ચોક્કસ બાતમીના આધારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ) દ્વારા જુદીજુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગાંજાના લીલા છોડ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના તાલુકાના શા.ડેસર ગામે અરજણભાઈ ચીનાભાઈ બાંભણીયાની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી જઘૠને મળી હતી. તેના આધારે પી.એસ.આઈ. આર.એચ. સુવા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી અંદાજે 30 જેટલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન આશરે 205 ગ્રામ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગાંજાની અંદાજિત કિંમત રૂ. 10,250 તેમજ રૂ. 500નો મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અરજણભાઈ ચીનાભાઈ બાંભણીયાની અટકાયત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામે રાજાભાઈ માલાભાઈ મકવાણાની વાડીમાં પણ ગાંજાનું વાવેતર થયાની બાતમીના આધારે જઘૠની ટીમે કાર્યવાહી શરૂ કરી છે. હાલ પી.એસ.આઈ. આર.એચ. સુવા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરી રહ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે ઉત્પાદન અને વાવેતર સામે પોલીસ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી બાદ અન્ય વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
