દસ મહિનાથી પોલીસને હાથતાળી આપતો હતો: ઘરેથી જ દબોચી લેતી પોલીસ
મોરબી જિલ્લામાં આગામી અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખી નાસતા-ફરતા અને પેરોલ-ફર્લો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગ દરમિયાન મોરબી સીટી ’એ’ ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ત્રિપલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા દસ મહિનાથી ફર્લો રજા પરથી ફરાર આરોપી ઝડપાયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરાર આરોપીઓની તપાસમાં હતી એ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધાયેલા ત્રિપલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભરતભાઈ નારણભાઈ ડાભીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી. આરોપીની ફર્લો રજા 28 ઓક્ટોબર, 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે રાજકોટ જિલ્લા જેલ ખાતે પરત હાજર થયો નહોતો અને ત્યારથી ફરાર હતો.
પોલીસે બાતમીના આધારે આરોપીને મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટી પ્લોટ સામે આવેલા તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડી રાજકોટ જિલ્લા જેલ સત્તાધીશોને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપીની ઓળખ ભરતભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ. 30), રહે. મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટી પ્લોટ સામે તરીકે થઈ છે.
