E20 પેટ્રોલને લઈને દેશભરમાં વિવાદ અને ચર્ચાઓ ચાલી રહી છે એવામાં સરકાર હવે ઇથેનોલને સીધું ભારતીય રસોડામાં પહોંચાડવા માટે તૈયાર
વિદેશોમાંથી આવતાં મોંઘા એલપીજી ગેસ પરની નિર્ભરતા ઓછી કરવા અને દેશમાં ઉપલબ્ધ વધારાનાં ઇથેનોલનો યોગ્ય ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકાર એક ક્રાંતિકારી યોજના પર ઝડપથી કામ કરી રહી છે. પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ ઇથેનોલને ઘરગથ્થુ રસોઈનાં મુખ્ય ઇંધણ તરીકે માન્યતા આપતી નવી નીતિ જાહેર કરવામાં આવશે. એક તરફ વાહનોમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત ઊ20 પેટ્રોલના ઉપયોગથી એન્જિનની કાર્યક્ષમતા અને વાહનો પર પડતી અસરોને લઈને દેશભરમાં વાહનચાલકો અને ઓટો નિષ્ણાતો વચ્ચે વિવાદ તથા ચર્ચાઓ હજુ પણ શમી નથી, ત્યાં બીજી તરફ સરકાર હવે તેને ઘરો સુધી પહોંચાડીને એલપીજીના એક સક્ષમ અને સ્વદેશી વિકલ્પ તરીકે ઊભું કરવા માંગે છે.
દેશમાં હાલમાં ઇથેનોલનું ઉત્પાદન વાર્ષિક 20 અબજ લિટરને વટાવી ગયું છે અને ચાલું નાણાકીય વર્ષમાં તેમાં વધુ 4 અબજ લિટરનો ઉમેરો થવાની ગણતરી છે. પેટ્રોલમાં મિશ્રણ કર્યા બાદ તેમજ દારૂ, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કર્યા પછી પણ દેશ પાસે આશરે 7 અબજ લિટર વધારાનું ઇથેનોલ વણ વપરાયેલું બચે છે. આ સરપ્લસ જથ્થાનો નિકાલ કરવા માટે સરકાર નેપાળ, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવાં પડોશી દેશોમાં નિકાસ કરવા ઉપરાંત હવે આ ગ્રીન ફ્યુઅલને સીધું ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચાડીને સ્થાનિક સ્તરે મોટો ખપત સ્ત્રોત ઊભો કરવા માંગે છે.
તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલાં તણાવ અને ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે હોર્મુઝની સામુદ્રધુની જેવાં મહત્વનાં દરિયાઈ માર્ગો પરથી પસાર થતી એલપીજીની આયાત અને પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું હતું. ભારત હજુ પણ પોતાની ગ્રાહક જરૂરિયાતો માટે ખાડી દેશોમાંથી મોટા પ્રમાણમાં ગેસ આયાત કરે છે. આવી સ્થિતિમાં ભવિષ્યની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક સંકટો વખતે દેશમાં બળતણની અછત ન સર્જાય તે માટે સરકારી તેલ વિતરણ કંપનીઓ 30 દિવસનો સ્ટ્રેટેજિક સ્ટોરેજ પ્લાન પણ બનાવી રહી છે, જેમાં ઇથેનોલ એક મજબૂત સપોર્ટ સાબિત થઈ શકે છે.
આ નવી વ્યવસ્થાને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે સરકારી તેલ વિતરણ કંપનીઓ પેટ્રોલ પંપો પર ખાસ ‘ઇથેનોલ અઝખ’ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે, જ્યાંથી ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ઇથેનોલ મેળવી શકશે. આ ઉપરાંત કંપનીઓ સુરક્ષિત ઇથેનોલ સ્ટવ અને નવી ડિસ્પેન્સિંગ ટેકનોલોજી વિકસાવવા માટે સંશોધન તથા ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી પર કામ કરી રહી છે.
ગ્રાહકો આ નવી સિસ્ટમ ઝડપથી અપનાવે તે માટે સરકાર ચૂલા ખરીદવા માટે વન-ટાઇમ સબસિડી અથવા ઇથેનોલ પર નિયમિત આર્થિક મદદ આપવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ નીતિથી વર્ષ 2050 સુધીમાં એલપીજી સબસિડી પેટે થતાં રૂ. 2 લાખ કરોડથી વધુની બચત થશે અને આ પોલિસી આગામી સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે.
