દરેક ગ્રામ્ય કક્ષાએ રેતી ચોરો સામે જનઆંદોલન ઉભું કરવામાં આવશે
અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સતત ખનનથી પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે. બીજી તરફ સરકારને પણ રોયલ્ટીની આવકમાં મોટી ખોટ પડે છે. અને સામાન્ય લોકોને રેતી મોંઘા ભાવે ખરીદવાની ફરજ પડે છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે સ્થાનિક ગ્રામજનો જ રેતી ખનન રોકવા માટે મેદાને ઉતરી રહ્યા છે. તાજેતરમાં અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદીને બચાવવા માટે સ્થાનિક લોકોએ એકજૂટ થઈ ગેરકાયદે રેતી ખનનનો વિરોધ શરૂ કર્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં રેતી ચોરી સામે જનઆંદોલનનું સ્વરૂપ આપવાની માંગ ઉઠી રહી છે.
અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન હવે છૂટક ઘટના નહીં, પરંતુ રોજબરોજની ગંભીર સમસ્યા બની રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સતત ચાલી રહેલા ગેરકાયદે ખનનના કારણે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી સહિતની નદીઓના પટને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, અને પર્યાવરણ ઉપર પણ ગંભીર અસર પડી રહી છે. અને સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની આવકમાં ખોટ સહન કરવી પડી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સામાન્ય નાગરિકોને બાંધકામ માટે રેતી ઊંચા ભાવે ખરીદવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આ દરમિયાન અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદીને બચાવવા માટે ગ્રામજનોએ એકજૂટ થઈ ગેરકાયદે રેતી ખનન સામે અવાજ ઉઠાવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા નદીના અસ્તિત્વ અને પર્યાવરણના સંરક્ષણ માટે ખનન રોકવાની માંગ સાથે સક્રિય વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનોનું માનવું છે કે, નદીના અતિશય ખોદકામથી કુદરતી સંતુલન બગડી રહ્યું છે અને ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
