દ્વારકા નજીક કારે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત

જામનગરના યુવાનને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો : ફરાર કાર ચાલકની શોધખોળ

જામનગરના દરબાર ગઢ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ રવજીભાઈ સોલંકી નામના 25 વર્ષના યુવાને રવિવારે દ્વારકા નજીક મોટરસાયકલ પર તેમના પરિવારજન સાથે જઈ રહેલા તેમના સાળીને એક અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રોહિતભાઈ સોલંકીના પરિણીત સાળી સંગીતાબેન રાજુભાઈ કોસ્તી (ઉ.વ. 23) તેમજ તેમના સાઢુભાઈ મનીષભાઈ દેવાભાઈ જોગસયા એમ બંને મોટરસાયકલ લઇને દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રવિવારે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે દ્વારકાથી આશરે 24 કિ.મી. દૂર ઓખા મઢી ગામથી આગળના હાઈવે માર્ગ પર તેમણે કોઈ કારણોસર પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક ફોર વ્હિલરના ચાલકે તેમના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં સંગીતાબેનને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મનીષભાઈને પણ પગમાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો ફોર વ્હિલર ચાલક નાસી છૂટી હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ