તાલાલાના રમળેચી ગીર ગામે વિજપોલ સાથે કાર અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત

જેપુર ગીર ગામેથી તાલાલા આવતા હતા ત્યારે થયો જીવલેણ અકસ્માત: પંથકમાં અરેરાટી ફેલાઈ

તાલાલા વિસ્તારના આહીર સમાજનાં અગ્રણી મનુભાઈ સોલંકી નાં નાનાભાઈ નાં પુત્ર અક્ષત નું ગત મોડીરાત્રે અકસ્માતમાં મૃત્યુ થયું…આ સમાચાર વહેલી સવારે તાલાલા પંથકમાં પ્રસરી જતાં સર્વત્ર ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે ગત મોડી રાત્રે જેપુર ગીર ગામેથી ફોચ્ર્યુનર કાર જી.જે.11.સી.ઓ.6516 લઈ અક્ષત પ્રદિપભાઈ સોલંકી ઉ.વ.20 તાલાલા આવતા હતા.કાર તાલાલા નજીક રમળેચી ગીર ગામે પાણીના ટાંકા પાસે આવેલ વળાંકમાં પહોંચી ત્યારે ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પી.જી.વી.સી.એલ.ના થાંભલા અને વિજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતની જાણ થતાં ગ્રામજનો બનાવ નાં સ્થળે એકત્ર થઇ અક્ષતભાઈ ને તાલાલા હોસ્પિટલે લાવેલ પરંતુ તેમને માથામાં ગંભીર ઈજાઓ હોય ઘટનાસ્થળે મરણ થયું હતું.આ બનાવ અંગે પોલીસે મનુભાઈ સોલંકી ની ફરીયાદ લઈ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગાઘે એ આગળ ની તપાસ શરૂ કરી છે.
યુવકના મૃત્યુ માટે વિજતંત્ર જવાબદાર હોવાનાં આક્ષેપો
જેપુર ગીર ગામના આશાસ્પદ યુવાન નાં મૃત્યુ અંગે પરિવારજનોએ પી.જી.વી.સી.એલ.જવાબદાર હોવાનાં આક્ષેપો કરી તપાસની માંગણી કરી છે.કાર વિજ પોલ સાથે અથડાતા વિજ તાર ગાડી ઉપર પડ્યા હતા.વિજ પાવર બંધ કરવા મનુભાઈ સોલંકી એ વિજ કચેરીનો સંપર્ક કર્યો પરંતુ વિજ વિભાગના લેન્ડ લાઈન નું રીસીવર ઉંચુ હતું જેથી સંપર્ક થઈ શક્યો નહીં.સમયસર વિજ પ્રવાહ બંધ થયો હોત તો આશાસ્પદ યુવાન નો જીવ બચાવી શકાયો હોત તેવા આક્ષેપ સાથે પરિવારે આ બનાવની તપાસની માંગણી કરી છે.
વિજ અધીકારી શું કહે છે
રમળેચી ગીર ગામે થયેલ અકસ્માત અંગે વિજ કચેરીનો સંપર્ક કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રે 1:25 વાગ્યે ફોલ્ટ થતાં વિજ પ્રવાહ બંધ થયો હતો.અકસ્માતના બનાવની જાણ થતાં ઘટનાસ્થળે વિજ કચેરીનો સ્ટાફ પહોંચી ગયો હતો..વિજ અધિકારીઓએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મૃતકના પી.એમ.ના વિવિધ નમુના એફ.એસ.એલ.માં મોકલ્યા
રમળેચી ગીર ગામ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાન અક્ષત નું પી.એમ કરી વધુ તપાસ માટે વિવિધ નમુના જુનાગઢ ખાતે એફ.એસ.એલ.વિભાગને મોકલ્યા હોવાનું તબીબ ડો.હિરેન કારેલીયા એ જણાવ્યું હતું.એફ.એસ.એલ.રીપોર્ટ આવ્યાં બાદ મૃત્યુનું સત્ય કારણ જાણી શકાશે.

રિલેટેડ ન્યૂઝ