જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા: તા.26 સુધી રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ
દસાડામાં 3.66, સિહોરમાં 3.35, લખતરમાં 3.31, ભાવનગરમાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો
જુલાઇ માસની પુર્ણતાના આરે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર છવાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાથી લઇને 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં 3.66 ઇંચ વરસ્યો છે. જયારે ભાવનગરના સિહોરમાં 3.35, લખતરમાં 3.31, ભાવનગરમાં 2.72 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આગામી તા.29 સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક રાજય પર ભારે રહેશે. એકી સાથે ચાર સિસ્ટમ સક્રીય થતા ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. તા.26 સુધી રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઘણા સ્થળોએ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે અને અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસશે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે સવાથી મેઘાડંબર છવાયું હતું. સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં દસડામાં 3.66, સિહોરમાં 3.35, લખતરમાં 3.31, ભાવનગરમાં 2.72, વલ્લભીપુરમાં 2.68, બોટાદમાં 2.36, વઢવાણમાં 2.24, બરવાળામાં 2.20, સાયલામાં 1.89, રાણપુરમાં 1.5, ચુડામાં 1.5, મુળીમાં 1.46, લીંબડીમાં 1.26, ઉમરાળા અને ધ્રાંગધ્રામાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો અમરેલી, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાડંબર વચ્ચે આખો દિવસ ઝરમર ઝાપટા વરસ્યા હતા.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આજે દિવસ દરમિયાન મેઘરાજાએ મહેરબાન થઈને સાર્વત્રિક હાજરી નોંધાવી છે. સવારથી વરસાદ શરૂ થયો હતો અને દિવસભર વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લામાં સાંજના છ વાગ્યા સુધીમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો છે. સિહોરમાં ખાસ કરીને બપોરે 12 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ધોધમાર 26 મીમી વરસાદ પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ત્યારબાદ ભાવનગર તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 67 મીમી વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પણ સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું.
આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં પણ દિવસ દરમિયાન ઉ 64 મીમી વરસાદ ખાબક્યો છે. વલ્લભીપુરમાં સવારના 8 થી 12 વાગ્યા વચ્ચે સતત 20-20 મીમીના વિરામ વગરના ઝાપટાં પડ્યા હતા. જ્યારે ઘોઘામાં 33 મીમી, ઉમરાળામાં 27 મીમી , તળાજામાં 22 મીમી, મહુવામાં 21 મીમી અને પાલીતાણામાં 19 મીમી વરસાદ નોંધાયો છે. ગારીયાધાર અને જેસર તાલુકામાં વરસાદની ગતિ ધીમી રહી હતી. ગારીયાધારમાં દિવસ દરમિયાન 10 મીમી અને જેસરમાં માત્ર 9 મીમી વરસાદ નોંધાયો છે.
ઉમરાળા
ઉમરાળામાં બુધવારે મોડી રાતથી મેઘમહેર શરૂ થઈ છે. રાત્રીના બેથી ગુરૂવારે સાંજના છ વાગ્યા સુધીમાં 44 મી.મી.વરસાદ નોંધાયો હતો. ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ગઢડા
ગઢડા(સ્વામીના) શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રીથી ચોમાસાનો માહોલ જામતા સતત વરસાદ શરૂ રહ્યો હતો. મોડી રાત્રિ થી બીજા દિવસે સાંજ સુધી 28 મીમી વરસાદ નોંધાયો હતો.
આ વાતાવરણના પગલે ગઢડા અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાત્રીથી બીજા દિવસે આખો દિવસ હળવો ભારે વરસાદ સતત શરૂ રહેતા ધરતી માટે કાચા સોના સમાન વરસાદથી સાર્વત્રિક ઠંડક પ્રસરી જવા પામી હતી.
વેરાવળ
સમગ્ર રાજ્યભરમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરુચ અને નર્મદા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે તા. 24 જુલાઈ થી તા. 30 જુલાઈ સુધી ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલોછલ એક દરવાજો ત્રણ ઈંચ ખોલાયો
હળવદ તાલુકાનો બ્રાહ્મણી-2 ડેમ છલોછલ ભરાઈ જતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં 421 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલું જ 421 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ નદીમાં ઉતરવું કે નદી પાર કરવાનો પ્રયાસ ન કરવો તેવી અપીલ કરવામાં આવી છે.તંત્ર દ્વારા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનસર સહિત કુલ 9 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સ્થાનિકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
ભાવનગર-સુરેન્દ્રનગર જિલ્લાની શાળા, કોલેજોમાં આજે રજા
હવામાન વિભાગ દ્વારા ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે તા. 24 જુલાઈના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૂરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે. નાગરિકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
વાંસલ ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમમાં નવા નીરની સતત આવકને પગલે ડેમ 0.01 મીટરથી ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો માટે સતર્કતા જાહેર કરવામાં આવી છે.
સેક્શન ઓફિસર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, ચુડા અને ગોખરવાળા ગામો સહિત નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિએ નદીમાં અવર-જવર કરવી નહીં તેમજ પાણીના પ્રવાહની નજીક જવાનું ટાળવું જોઈએ.
