અન્ય ઘટનામાં બિમારીથી કંટાળી વૃધ્ધાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં મવડી મેઇન રોડ પર આવેલ સ્વાશ્રય સોસાયટીમાં રહેતા વેપારી રાત્રિના સમયે અકસ્માતે સીડી પરથી ગબડી પડ્યા હતા આધેડનું ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજ્યું હતું. વેપારીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર વિશ્ર્વેશ્ર્વર મંદિર પાસે આવેલી સ્વાશ્રય સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ ભુવા નામના 57 વર્ષના વેપારી રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અકસ્માતે સીડી પરથી ગબડી પડ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પ્રવીણભાઈ ભુવાનું હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વેપારી ત્રણ ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કાલાવાડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્કમાં રહેતા સોનલબેન પંકજભાઈ પારેખ નામના 67 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે હૃદયની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સોનલબેન પારેખના પતિ લેબોરેટરી ચલાવે છે અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
