જુગારમાં મોટી રકમ હારી જતા મોટો હાથ માર્યો હતો
સાયલાના આંબેડકરવાસમાં બે માસ અગાઉ શ્રમિક પરિવારના બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરનાર આરોપીને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી લીધો છે. જુગારમાં મોટી રકમ હારી જતાં દેવું ચૂકવવા માટે પોતાના જ પાડોશીના ઘરને નિશાન બનાવનાર આ તસ્કર પાસેથી પોલીસે રૂ. 6.24 લાખથી વધુની કિંમતના 5 તોલા સોનાના દાગીના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયલાના આંબેડકરવાસમાં રહેતા અને ખેતમજૂરી કરતા વિનુભાઈ હમીરભાઈ અઘારાએ તાજેતરમાં જ પોતાની જમીન વેચીને પ્રાપ્ત થયેલી રકમમાંથી દીકરીના લગ્ન માટે સોના-ચાંદીના દાગીના બનાવડાવ્યા હતા. અંદાજે બે માસ અગાઉ કાળઝાળ ગરમીના કારણે વિનુભાઈ તેમનો પરિવાર ધાબા પર સૂવા ગયા હતા, ત્યારે તસ્કરે મકાનના તાળા તોડી અંદર રાખેલા 5 તોલા સોનાના અને 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ઘટના અંગે સાયલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, પરંતુ લાંબા સમય સુધી સફળતા ન મળતાં પીડિત પરિવારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ કેસનો ભેદ ઉકેલવા એલસીબીને તપાસ સોંપતાં જ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસ વડા સમક્ષ રજૂઆત થઈ હોવાની અને કઈઇ તપાસમાં જોડાઈ હોવાની જાણ થતાં જ પકડાઈ જવાના ડરથી ચોરે એક અનોખી ચાલાકી અજમાવી હતી.
આરોપીએ રાત્રિના અંધારામાં કાળી પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા ચાંદીના દાગીના વિનુભાઈના ઘરની બહાર ચૂપચાપ મૂકી દીધા હતા, જેથી પોલીસ તપાસ ધીમી પડી જાય. પરંતુ ચાંદીના દાગીના આ રીતે પરત મળતાં એલસીબી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી કે આ ચોરીમાં કોઈ નજીકનો જ ’જાણભેદુ’ સંડોવાયેલો છે. એલસીબી પોલીસે ઝીણવટભરી તપાસ ચલાવી બાતમી મેળવી હતી કે, આ ચોરીમાં આંબેડકરવાસમાં જ રહેતો કલ્પેશ વિનોદભાઈ રાઠોડ નામનો યુવક સંડોવાયેલો છે. દાગીના વેચવા માટે સુરેન્દ્રનગર આવી રહેલા કલ્પેશને પોલીસે મેક્શન સર્કલ પાસેથી વોચ ગોઠવીને દબોચી લીધો હતો. સઘન પૂછપરછ દરમિયાન કલ્પેશે ચોરીની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, તેને જુગાર રમવાની કૂટેવ હતી અને તેમાં તે મોટી રકમ હારી ગયો હતો. દેવું ચૂકવવા માટે તેણે પાડોશી વિનુભાઈના ઘરમાં દીકરીના લગ્નના ઘરેણાં હોવાની જાણ હોવાથી આ ચોરીને અંજામ આપ્યો હતો.
