ભાજપ સરકાર રાજકીય વિરોધીઓના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી રહી છે : અમિત પટેલ
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલા બેરહેમીભર્યા લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બિનઅધિકૃત ધરપકડના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જીલ્લા કોંગ્રેસના પ્રભારી સેહનાજબેન બાબી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, તાલુકા પ્રમુખ કરશન વડોદરીયા સહિતના કોંગી અગ્રણીઓ, કાર્યકરોની અટક કરી લેવામાં આવી હતી.
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના જણાવ્યા મુજબ, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના હકો માટે લોકશાહી ઢબે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમની સામે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવો અત્યંત નિંદનીય છે. સાથે જ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બિનઅધિકૃત ધરપકડ કરીને કેન્દ્ર સરકાર લોકશાહી મૂલ્યોનું હનન કરી રહી છે. ત્યારે વિસાવદર તાલુકા મથકે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના જીલ્લા પ્રભારી સેહનાજબેન બાબી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, તાલુકા પ્રમુખ કરશન વડોદરીયા, ભાવેશ કાતરિયા, એનએસયુઆઇના પ્રમુખ મયૂર સાવલિયા, અકીલ ચોટલીયા, લાલ કોટડીયા, ખીમજી બળદાણીયા, રમેશ ભાષા, દલસુખ રામાણી આગેવાનો, કાર્યકરોની અટક કરી હતી
આ સાથે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ એ આક્ષેપ કર્યો હતો કે,ભાજપ સરકાર રાજકીય વિરોધીઓના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. વિરોધ અને અસહમતિના અવાજને દબાવવાના આવા પ્રયાસો લોકશાહી માટે ઘાતક છે. કોંગ્રેસ પક્ષ આવા દમનકારી વલણનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને લોકશાહી તથા બંધારણીય અધિકારોની રક્ષા માટે સતત લડત ચાલુ રાખશે.
