હાઈ-વે ઓથોરીટીનું ઓપરેશન ડિમોલિશનથી દબાણકારોમાં ફફડાટ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને કરવામાં આવેલા કથિત દબાણો સામે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગઇંઅઈં) દ્વારા આજે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા બરડિયા ગામ ખાતે સોમવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી માર્ગની જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રાખવામાં આવ્યા હતા.માહિતી મુજબ, દ્વારકાથી પોરબંદર સુધીના હાઈવે વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી (ગઇંઅઈં) દ્વારા અગાઉ 150થી વધુ મિલકત ધારકોને નોટિસો પાઠવી દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. એન.એચ.-51 ની “રાઈટ ઓફ વે” માં આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદેસર બાંધકામો, મંજૂરી વિના બનાવવામાં આવેલા પ્રવેશ માર્ગો, અનધિકૃત મીડિયન ગેપ તથા અન્ય તમામ પ્રકારના અવરોધોને દૂર કરવા માટેની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમયમર્યાદા પૂર્ણ થતાં હવે વિભાગ દ્વારા તબક્કાવાર ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે દ્વારકા નજીક આવેલા બરડિયા ગામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં હાઈવેની હદમાં આવેલા વિવિધ વાણિજ્યિક બાંધકામો તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક મોટા હોટલ સંચાલકો દ્વારા પણ હાઈવેની જમીન પર કબજો કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં તે દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. જેસીબી સહિતના ભારે મશીનોની મદદથી બાંધકામો તોડી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પોરબંદર-દ્વારકા હાઈવે પર આવેલા અન્ય ગેરકાયદે વાણિજ્યિક બાંધકામો ઉપરાંત માર્ગની હદમાં આવેલા ધાર્મિક દબાણો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાઈવેની જમીન દબાણમુક્ત બનાવી માર્ગ સુરક્ષા અને ભવિષ્યના વિકાસકાર્યોને સરળ બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.
