સાડી ઉદ્યોગના કેમિકલયૂકત પાણી પ્રશ્ર્ને હવે છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પણ કોન્ટ્રાકટરોની મનમાની સામે ધોકો પછાડયો: દૂષિત પાણીથી દરિયાઈ સૃષ્ટિનો નાશ થશે અને માછીમારોને પેટ માટે પાકિસ્તાનની હદ સુધી જવું પડશે
જેતપુરનું ઝેર પોરબંદરના દરિયામાં વહાવવાના સપના જોવાનું બંધ કરો તે પ્રકારની ચેતવણી આપીને આ મુદ્ે હવે છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ મેદાને પડયા છે.
જેતપુરના ે ટેક્ષટાઈલ ઉદ્યોગોનું કેમિકલયુક્ત દૂષિત પાણી દરિયામાં ઠાલવવા માટેના કરોડો રૂપિયાના મહત્વકાંક્ષી પોરબંદર-જેતપુર પાઈપલાઈન પ્રોજેક્ટનો મામલો ફરી એકવાર ગરમાયો છે. આ પ્રોજેક્ટ જો પોરબંદરના દરિયાકાંઠે આવશે તો પોરબંદરની ઓળખ સમાન માછીમારી ઉદ્યોગ સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે તેવી ભીતિ સાથે છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઇ ખુંટી દ્વારા આ પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. જેતપુરમાં ચાલતા સેંકડો સાડી, પ્રિન્ટિંગ અને ડાઈંગના કારખાનાઓનું કેમિકલવાળું પાણી છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણનો મોટો પ્રશ્ર્ન છે. આ પાણીના નિકાલ માટે જેતપુરથી પોરબંદર સુધી લગભગ 60 થી 70 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખી આ દૂષિત પાણી સીધું પોરબંદરના દરિયામાં છોડવાની યોજના છે.
ભોજાભાઈ ખુંટીનું કહેવું છે કે, પોરબંદર એ માછીમારોનું શહેર છે. હજારો પરિવારોનો રોજી-રોટી દરિયા પર જ નભે છે. જો જેતપુરનું કેમિકલયુક્ત ઝેરી પાણી દરિયામાં આવશે તો દરિયાના પાણીમાં ઓક્સિજન ઘટી જશે. માછલીઓના ઈંડા નાશ પામશે, માછલીઓ મરી જશે કે દરિયો છોડીને ભાગી જશે. સમુદ્રમાં રહેતા કરચલા, ઝીંગા અને અનેક જીવોનો કચ્ચરઘાણ નીકળી જશે.
આ પ્રોજેક્ટની સૌથી ગંભીર આડઅસર અંગે વાત કરતા ભોજાભાઈએ કહ્યું કે, હાલ પણ પોરબંદર નજીક માછલીઓ ઓછી મળતા માછીમારોને દૂર જવું પડે છે. જો નજીકનો દરિયો પ્રદૂષિત થશે તો માછલીઓ શોધવા માટે તેઓને 100 નોટિકલ માઈલથી પણ દૂર જવું પડશે. આ દોડમાં ઘણી વખત દિશા ભૂલ થતા કે હવામાન બગડતા તેઓ ભૂલથી ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી ક્રોસ કરી પાકિસ્તાનની હદમાં પહોંચી જાય છે. ત્યાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી તેમને પકડીને જેલમાં પૂરી દે છે અને તેમની બોટ જપ્ત કરી લે છે. એક માછીમાર જેલમાં જાય એટલે પાછળ તેનો આખો પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. આ પ્રોજેક્ટ એ સમસ્યાને અનેકગણી વધારી દેશે. માત્ર માછીમારો જ નહીં, પાઈપલાઈન જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં લીકેજના કારણે અને પોરબંદરના દરિયાકાંઠાના ખારાશ વધતા ખેતીની જમીન પણ બંજર થવાની ભીતિ ખેડૂતોમાં પણ છે.
અંતમાં ભોજાભાઈ ખુંટીએ કોન્ટ્રાકટરોને ચીમકી આપતા કહ્યું છે કે, વિકાસના નામે પોરબંદરના હજારો ગરીબ માછીમારો અને ખેડૂતોના પેટ પર પાટુ મારવાનું બંધ કરો. જેતપુરનું પ્રદૂષણ પોરબંદરના દરિયામાં ઠાલવીને અમારા દરિયાને સ્મશાન બનાવવાનું કૃત્ય અમે કોઈ કાળે ચલાવી લેવાના નથી. સરકાર આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરે નહીંતર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
