રાજકોટમાં લાપતા પતિની પોલીસ ગુમશુદા ફરિયાદ લેતી નહી હોવાના આક્ષેપ સાથે નવોઢાએ ફિનાઇલ પીધું

પતિ ત્રણ દિવસથી સસરાના ઘરેથી લાપતા થયો’તો

શહેરના નાના મવા સર્કલ નજીક આવાસ કવાર્ટરમા રહેતી નવોઢાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી છે. પતિ ત્રણ દિવસથી સસરાના ઘરેથી લાપતા થઇ ગયો હોય જે અંગે થોરાળા પોલીસ ગુમસુદા ફરિયાદ લેતી ન હોવાથી આ પગલુ ભરી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ નાનામવા સર્કલ પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં રહેતી દીપાલી ધ્રુવભાઇ પારીયા (ઉ.વ.20)નામની નવોઢાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નવોઢાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં દીપાલીએ દોઢ વર્ષ પહેલા ધ્રુવ સાથે પ્રેમલગ્ન કર્યા છે અને પતિ પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્રણ દિવસ પહેલા પતિ થોરાળામાં રહેતા તેના સસરાના ઘરેથી કયાક ચાલ્યો ગયો હોય જેથી તેણી થોરાળા પોલીસમાં પતિની ગુમસુદા ફરિયાદ નોંધાવવા ગઇ હતી જો કે, પોલીસે 24 કલાકમાં આવી જશે તેમ કહી ફરિયાદ લીધી ન હતી અને ત્રણ દિવસ થવા છતા પતિ હજુ આવ્યો ન હોય અને પોલીસ ગુમસુદા લેતી ન હોવાથી તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ