રાવલ ગામે પીકઅપ વાહન હંકારી જનાર સામે ફરિયાદ
ખંભાળીયાના બેટ ગામેથી મોરબીના વેપારીનું બાઇક ચોરાયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જયારે રાવલ ગામે પીકઅપ વાહન હંકારી જનાર સામે ફરીયાદ નોંધાઇ છે.
મોરબીના ગ્રીનલેન્ડ પાર્ક સોસાયટી ખાતે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ માજુસા નામના 36 વર્ષના વેપારી યુવાને ખંભાળિયા નજીકના બેહ ગામના પાટીયા પાસે રાખેલું રૂપિયા 35,000 ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાઈ છે.
દ્વારકામાં બે જુગારીઓ ઝડપાયા
દ્વારકામાં કીર્તિ સ્તંભ રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા રામભા સાજણભા ભઠડ અને સાજણભા મેઘાભા ભઠડને પોલીસે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઓખામાં સસ્પેન્ડ થયેલી ફિશિંગ બોટ અન્ય રજીસ્ટ્રેશન નંબરથી ચલાવતા વધુ એક માછીમાર સામે ગુનો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામ ખાતે રહેતા ભરત પાંચાભાઈ હીરાભાઈ ભાલીયા નામના 29 વર્ષના માછીમાર યુવાનની ગુરુકુપા નામની બોટ કે જે થોડા સમય પૂર્વે આઈ.એમ.બી.એલ. ઉપર માછીમારી કરતાં પકડાઈ ગઈ હોવાથી આ બોટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપરોક્ત શખ્સ દ્વારા “અલ ફલાહ” નામની અન્ય એક ભાગીદારીની ફિશિંગ બોટના રજીસ્ટ્રેશનના કાગળોનો ઉપયોગ કરી, અને તેનું ઓનલાઇન ટોકન મેળવ્યું હતું.આ ટોકનના આધારે દરિયામાં છેલ્લા ત્રણેક માસથી ફિશિંગ કરવા જતા એસ.ઓ.જી. પોલીસે તેને ઝડપી લઇ, રૂપિયા 22 લાખની કિંમતની માછીમારી બોટ કબજે કરી, ઉપરોક્ત શખ્સ સામે બી.એન.એસ. તેમજ ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નજીક આવેલી નયારા જેટી પાસેથી ફિશરીઝ વિભાગનું ઓનલાઈન ટોકન મેળવ્યા વગર તેમજ હોડીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે રાખ્યા વગર માછીમારી કરવા ગયેલા નાના આંબલા ગામના સદ્દામ હાસમ સંઘાર નામના 30 વર્ષના માછીમાર યુવાન સામે વાડીનાર મરીન પોલીસે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને મૂળ ટંકારીયા ગામના પાલાભાઈ સાજણભાઈ જાદવ નામના 35 વર્ષના યુવાનનું રૂપિયા પાંચ લાખની કિંમતનું બોલેરો વાહન ગત તારીખ 20 ના રોજ રાવલ ગામેથી ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. જે અંગે પાલાભાઈ જાદવએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાવલ ગામના કિશન નામના એક શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
