છઠ્ઠી ‘ઓસમ આરોહણ-અવરોહણ’ સ્પર્ધામાં રાજ્યભરના 423 સ્પર્ધકોએ કૌવત બતાવ્યું

ખેલકૂદમાં અવ્વલ બાળકોની ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ અન્ય બાળકો કરતા વધારે હોય છે -ધારાસભ્ય ડો. પાડલીયા: ભાઈઓમાં પ્રથમ નંબરે મારવાણીયા વિહાર તેમજ બહેનોમાં બાવળીયા ત્રિશા વિજેતા બન્યા

ઓસમ ડુંગરની ગોદમાં જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી 20 વિજેતાઓને રૂ.2.34 લાખના ઈનામથી મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે છઠ્ઠી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરાયુ હતું, આ સ્પર્ધામાં ભાઈઓમાં 9.42 મિનિટ સાથે મારવાણીયા વિહાર પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં 12.11 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિશા વિજેતા થયા હતા. પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ સ્પર્ધકો પરત પહોંચ્યા હતા. આ તકે ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન અને વિજેતાને ઈનામ વિતરણ કરી જણાવ્યું કે, “આવનારા દસ વર્ષ એ ભારતના યુવાનોનો સમય છે. તમામ સ્પોર્ટ્સમેનને ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે સોનાનો સુરજ જોવા મળવાનો છે. આવનારા સમયમાં ગુજરાતના વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 112 દેશો ભાગ લેવાના છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 2036 માં ઓલમ્પિક રમાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.જે બાળકો સ્પોર્ટ્સમાં અવ્વલ છે, તેમની ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ અન્ય બાળકો કરતાં વધારે હોય છે. માતા-પિતાએ બાળકોને મોબાઇલ મુકાવીને મેદાનમાં લઈ આવવા પ્રોત્સાહન પુરૂ પાડવું જોઈએ, તેમ ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત માતા-પિતાઓને સૂચન કર્યું હતું. આજે ઓસમ ડુંગરમા યોજાયેલ છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં છે અને વિજેતા સ્પર્ધકો આગામી દિવસોમાં ગીરનાર ખાતે યોજાનાર સ્પર્ધામા ભાગ લઈ શકશે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યુ હતુ. પ્રાંત અધિકારી નાગાજણ તરખાલાએ પોતાના ઉદ્બોધનમા રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો હતો તથા આવનારા સમયમાં ઓસમ ડુંગર ખાતે થનારા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરાએ શાબ્દિક સ્વાગતમાં ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મહેમાનો, ગ્રામજનો અને સ્પર્ધકોને આવકારી સ્પર્ધાની વિસ્તૃત જાણકારી આપી હતી.
ખેલાડીઓને અપાયેલા ચેસ્ટ નંબર તથા રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. સ્પર્ધાનુ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા ને રૂ. 25 હજાર, દ્વિતિય નંબરને રૂ.20 હજાર, તૃતિય નંબરને રૂ. 15 હજાર એમ કુલ મળી 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.2.34 લાખના ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાનું સંચાલનશ્રી હારૂનભાઈ વિહળે કર્યુ હતું. આ પ્રસંગે ઉપલેટાની કોલેજના ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસર શ્રી બુટાણી તથા ફિટનેસ કોચ શ્રી પેથાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ