સોમનાથ સર્કીટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ સવારે સોમનાથ દાદાના વડાપ્રધાન મોદી દર્શન કરી જળાભિષેક, ધ્વજા પૂજા, સોમેશ્ર્વર મહાપૂજા સહિતની વૈદિક પૂજા કરશે: સોમનાથ સ્વાભિમાન પર્વે ભવ્ય સ્વાભિમાન યાત્રા યોજાશે: 108 અશ્ર્વો સામેલ થશે: રાજ્યના મંત્રીઓ-અધિકારીઓએ કાર્યક્રમના સ્થળનું નિરિક્ષણ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર હોય જેમાં આજે તા.10 તથા 11 જાન્યુઆરી 2026 ના સોમનાથ ખાતે રોકાણ કરનાર છે. સોમનાથ સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ સવારે મહાદેવનાં દર્શન કરનાર છે. સોમનાથ ખાતેના બે દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપેલ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી શરૂ કરાયેલ છે. જેમાં જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 108 અશ્વો વચ્ચે પી.એમ. મોદી ની સ્વાભિમાન યાત્રા પણ યોજાનાર છે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર બે કિ.મી. લાંબા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.
તા.10 ના શનિવારે સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતીમાં સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે તેમ છે. સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દૃશ્યાત્મક રીતે અદભુત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના “ડ્રીમ પ્રોજેક્ટ” તરીકે જોવામાં આવે છે.
તા.11 ના રવિવારે વ્હેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરનાર છે. આ તકે જળાભિષેક, ધ્વજાપુજા અને સોમેશ્રવર મહાપુજા સહીતની વૈદિક પુજા-અર્ચના કરનાર છે. આ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય ’સ્વાભિમાન યાત્રા’ યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે બે કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે. આ કાર્યક્રમ પૂર્ણ થયે સોમનાથ થી રાજકોટ જનાર છે.
પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026 માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026 માં આ ઐતિહાસિક ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.
તા.10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયેલ છે. રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત સાથે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો પણ આવી પહોંચેલ છે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
પીએમનું હિરાસર હવાઈ મથકે આગમન થશે
સ્વાગતમાં પ્રધાનો ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરના 3-30 વાગ્યાની માં આસપાસ ખાસ ફ્લાઈટમાં રાજકોટના શ્રી આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટ સે ખાતે આવી પહોંચશે. જે બાદ તેઓ 10 તે મિનીટનું ટુંકુ રોકાણ કરી હેલીકોપ્ટર મારફત યાત્રાધામ સોમનાથ જવા રવાના થનાર છે. આ પ્રસંગે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. વડાપ્રધાનના સ્વાગતમાં રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ તેમજ રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ સહિત ટોચના સનંદી અધિકારીઓ જોડાનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના સ્વાગત માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજયના મંત્રી મનીપાબેન વકિલ સહિતના આઠ કેબીનેટ મંત્રીઓ રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
