રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે દેશ-વિદેશથી ઉદ્યોગપતિઓ અને જુદા જુદા દેશના એમ્બેસેડર પણ રાજકોટ મારવાડી કોલેજ ખાતે આવી પહોંચ્યા છે. આજે ઉદઘાટન દરમ્યાન આ મહાનુભાવોએ વાયબ્રન્ટ સમીટ તેના આયોજન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ડે. સીએમ. હર્ષભાઇ સંઘવીને અભિનંદન આપ્યા હતા.
જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન શ્રી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરા ઉપર યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરતી સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લા, સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહ્યું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહ્યો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પૂરી પાડવા માટે જ્યોતિ સી.એન.સી. તત્પર છે. આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સાથે મળી આ ઉમદા કાર્યને આગળ વધારવાની ઝુંબેશ ચલાવીશું.
બી.કે. ગોએન્કા
વેલસ્પન કંપનીના ચેરમેન બી. કે. ગોએન્કાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સીરામીક માટે જાણીતું બન્યું છે. આ ક્ષેત્રનો વિકાસ છેલ્લા 20 વર્ષમાં થયો છે, જેનો શ્રેય હું દેશના પ્રધાનમંત્રીશ્રીને આપું છું
તેમણે ઉમેર્યું હતું કે, ‘આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે 2003ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મને એવું કહ્યું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાખશો, તો આપને એક રૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂ. 5000 કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.
રવાન્ડામાં હાઈકમિશનર
પાર્ટનર ક્ધટ્રી રવાન્ડાનાં હાઈ કમિશનર સુશ્રી જેક્લીન મુકાનગીરાએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રવાન્ડા અને ભારત વચ્ચે સુમેળભર્યા દ્વિપક્ષીય સંબંધો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષ 2018માં રવાન્ડાની મુલાકાત દરમિયાન ત્યાંના જરૂરિયાતમંદ પરિવારોને આપેલી 200 ગીર ગાયોની ભેટનો ઉલ્લેખ કરી તેમણે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રવાન્ડાના રાષ્ટ્રપ્રમુખે ભારતની પાંચ વાર મુલાકાત લીધી હોવાનું કહી જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2017માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થયા હતા. આ બંને નેતાઓના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ઘણા અગત્યના હોવાનું તેમણે ઉમેર્યું હતું. રવાન્ડા એક ઝડપથી વિકાસ પામતો, ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવતો દેશ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, રવાન્ડાની અર્થવ્યવસ્થા વર્ષ 2025ના ત્રિમાસિક ગાળામાં 11.8 ટકાના દરે વિકાસ પામી હતી. વહીવટી પારદર્શિતામાં અને વર્ષ 2024ના વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં રવાન્ડા ઈઝ ઓફ ડુઈંગ કેટેગરીમાં સમગ્ર આફ્રિકામાં રવાન્ડા પ્રથમ ક્રમે હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
આ સાથે કહ્યું હતું કે, ભારત રવાન્ડામાં દ્વિતીય ક્રમનો વિદેશી રોકાણકાર અને વ્યાપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેના સંબંધો સતત વિકાસ પામી રહ્યા છે. ભારતીયોને એક મહિના માટે માન્ય વિઝા ઓન અરાઈવલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
યુદ્ધ બાદ બેઠા થવા ભારતીય કંપનીનો મોટો સહયોગ : યુક્રેન એમ્બેસેડર
પાર્ટનર ક્ધટ્રી યુક્રેનના એમ્બેસેડર શ્રીયુત ઓલેક્ઝાન્ડર પોલીસચુકે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રાષ્ટ્રીય નેતાથી હવે ગ્બોબલ લીડરની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં છઠ્ઠી વાર સહભાગી થવા બદલ આનંદ વ્યકત કરતા તેમણે પોતાનાં દેશમાં પણ શાંતિ સ્થાપવાના તેમનાં પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, યુદ્ધ બાદ યુક્રેનના પુન:નિર્માણ અને યુદ્ધમાંથી બેઠા થવા ઊર્જા, લોજિસ્ટીક, બાંધકામ, ઉદ્યોગ, કૃષિ, આઇટી જેવા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ માટે સારી તકો રહેલી છે તેમ જણાવતા આશા વ્યક્ત કરી હતી કે ભારતીય કંપનીઓ આ વર્ષના અંતે પોલેન્ડ ખાતે યોજાનાર યુક્રેન રીક્ધસ્ટ્રક્શન કોન્ફરન્સમાં ભાગ લેશે. અનાજ, ફાર્મા ઉત્પાદનો, તેલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં ભારત અને યુક્રેન વચ્ચે સફળ સહકારનો લાંબો ઈતિહાસ રહ્યો છે. જે યુક્રેનની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડનારા બની રહ્યા છે.
તેમણે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક શ્રેષ્ઠ લીડર ગણાવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારનાં પ્રયાસોની સરાહના કરતા તેમણે ઉમેર્યુ હતું કે, યુક્રેન વાઈબ્રન્ટ જેવી ગ્લોબલ ઈવેન્ટમાં ભાગીદાર બનવા માટે ગર્વ અનુભવે છે.
