રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો આવતીકાલે પદવીદાન સમારોહ

21માં વાર્ષિક પદવીદાન સમારોહમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે તા. 21- 1- 2026ના રોજ બપોરે 11 કલાકે યોજાશે.
આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલની સાથે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત હરિયાણાના કરનાલ ખાતેની મહારાણા પ્રતાપ બાગાયત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. એસ. કે. મલ્હોત્રા દીક્ષાંત પ્રવચન આપશે. આ દિક્ષાંત સમારંભમાં રાજ્યપાલના વરદહસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 578 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 74 ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ તથા 1 કેશપ્રાઇઝ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમ કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર છે. કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, તમામ યુનિવર્સિટી અધિકારીઓ, પ્રાધ્યાપક અને વડાઓ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ