રેરાનો મહત્વનો ચુકાદો સોસાયટીના કોમન એરિયા પર બિલ્ડરનો અધિકાર નહીં, એસોસીએશનને સોંપવો પડે


વડોદરાના કેસમાં કોમન એરિયાનો દસ્તાવેજ કરી આપવા બિલ્ડરને હુકમ

વડોદરાના ખાનપુર વિસ્તારમાં આવેલા ’ડાયમંડ બંગ્લોઝ’ પ્રોજેક્ટના બિલ્ડર વિરુદ્ધ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી વિવિધ ફરિયાદોને ધ્યાને રાખીને ઓથોરિટીએ બિલ્ડરને 60 દિવસની અંદર સર્વિસ સોસાયટીની રચના કરી પ્રોજેક્ટનો વહીવટ અને કોમન એરિયાનો કબજો સોંપવા આદેશ કર્યો છે. આમ ગુજરેરા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બિલ્ડરે બાંધકામ ઉપરાંત સોસાયટીનો જે કોમન એરિયા હોય તેની સોંપણી એસોસિએશન ઓફ એલોટી એટલે કે રજીસ્ટર થયેલી સોસાયટીને સોંપી દેવાનો હોય છે અને ભવિષ્યમાં તેનો કોઇ હક્ક હિસ્સો રહેતો નથી.
આ વિવાદની વિગતો મુજબ, યોગેન્દ્ર બંસીધર ભટ્ટ અને અન્ય રહેવાસીઓએ મેસર્સ વૈભવ કો. પ્રા. લી. અને પ્રકાશ ખત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. રહેવાસીઓનો મુખ્ય આક્ષેપ હતો કે બિલ્ડર દ્વારા કોમન એરિયાનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નથી અને પ્રોજેક્ટની જાળવણી માટે ઉઘરાવવામાં આવેલી મેન્ટેનન્સ ડિપોઝિટ પણ સોસાયટીને હસ્તગત કરવામાં આવી નથી. આ ઉપરાંત, ગ્રાહકોએ પ્રોજેક્ટમાં બ્રોશર મુજબની સુવિધાઓ જેવી કે ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ અને ઇન્ટરકોમ સિસ્ટમમાં ખામી હોવાની પણ રજૂઆત કરી હતી.
સામા પક્ષે બિલ્ડરે દલીલ કરી હતી કે તેઓ સર્વિસ સોસાયટી બનાવવા માટે તૈયાર છે, પરંતુ રહેવાસીઓના અસહકારને કારણે આ પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબ હાઉસ અને અન્ય સુવિધાઓ 2/3 સભ્યોની સંમતિથી નિયમ મુજબ જ બનાવવામાં આવી છે.
બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ, રેરા સભ્ય ડો. એમ.ડી. મોડીયાએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે રેરા એક્ટની કલમ 17 મુજબ પ્રમોટરે કોમન એરિયાનો વેચાણ દસ્તાવેજ એસોસીએશન ઓફ એલોટીઝના નામે કરી આપવો અનિવાર્ય છે. ઓથોરિટીએ બિલ્ડરને આદેશ આપ્યો છે કે તેઓ આગામી બે મહિનામાં કાયદેસરની સોસાયટી કે એસોસીએશન બનાવી, કોમન એરિયાની જમીન તબદીલ કરે અને મેન્ટેનન્સની રકમ સોસાયટીના ખાતામાં જમા કરાવે.
વધારામાં, ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી ડોર ફોનની સુવિધા અંગેની ફરિયાદમાં ઓથોરિટીએ બિલ્ડરને 30 દિવસમાં આ સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે. જોકે, બાંધકામમાં લીકેજ અને તેના વળતર અંગેની માંગણી માટે ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે આ માટે ગ્રાહકોએ અલગથી એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહી કરવાની રહેશે, કારણ કે વળતર આપવાની સત્તા તે સ્તરે રહેલી છે. આ ચુકાદાથી વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના હકો પ્રત્યેની જાગૃતિ અને કાયદાકીય મજબૂતીનો પુનરોચ્ચાર થયો છે.

રિલેટેડ ન્યૂઝ