રાજકોટ શહેર-જિલ્લામાં પરીક્ષા ખંડમાં ચોરીના શંકાસ્પદ 84 છાત્રોના હિયરીંગ કરી બોર્ડને રિપોર્ટ કરતા શિક્ષણાધિકારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ર0ર6માં લેવાયેલા ધો.10 અને 1રની પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ બોર્ડની આ પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડોમા ચોરી અને ગેરરીતિ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વિદ્યાર્થીઓના હિયરીંગ પણ રાજયના દરેક જિલ્લામાં શિક્ષણાધિકારી દ્વારા પૂર્ણ કરી શિક્ષણ બોર્ડને પણ રીપોર્ટ કરી દેવામાં આવેલ છે. બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં પરીક્ષા ખંડોમાં ચોરી અને ગેરરીતિ કરતા ધો.10ના 34, ધો. 1ર સામાન્ય પ્રવાહના ર8 અને ધો.1ર વિજ્ઞાન પ્રવાહના રર મળી કુલ 84 વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓના હિયરીંગ પૂર્ણ કરી શિક્ષણાધિકારી પટેલ દ્વારા શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવેલ છે. હવે પરીક્ષા ચોરીના આ શંકાસ્પદ કેસોના આખરી હિયરીંગ આગામી ટુંક સમયમાં ગાંધીનગર ખાતે થશે. ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે ઉતરવહીઓની તપાસણીની કામગીરી પૂર્ણ થતા બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા આગામી મે-2026માં સૌપ્રથમ ધો.1ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ ધો.10 અને 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ મે માસના અંતમાં જાહેર થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયભરમાં ફેબ્રુઆરી-માર્ચ ર0ર6 દરમ્યાન લેવાયેલી શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. જોકે આ વખતે કોપી કેસમાં ઝપટે ચડી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા નહીંવત રહી છે. પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા ખંડોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પરીક્ષા ચોરી અને ગેરરીતિમાં ઝપટે ચડી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષમાં આ વખતે ઓછી રહી છે. સીસીટીવી કેમેરામાં પરીક્ષા ચોરી કરતા કેદ થયેલા તમામ વિદ્યાર્થીઓના હિયરીંગ રાજયના જે તે જિલ્લાઓના શિક્ષણાધિકારીઓ દ્વારા પૂર્ણ કરી શિક્ષણ બોર્ડને રીપોર્ટ કરી દેવામાં આવેલ છે અને હવે ગાંધીનગર ખાતે આગામી ટુંક સમયમાં આ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવનાર છે.
