આજે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં જનકલ્યાણ લક્ષી સેવાકીય કાર્યક્રમોનું આયોજન: 80 લાખ દીવડા પ્રગટાવાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત
મંદિર તળાવ, નદીના કિનારા સહિતના અનેક સ્થળોને આવરી લેવાયા

ભાવનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તા. 17 સપ્ટેમ્બર- 2026ના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં રાજ્યભરમાં 80 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
મંત્રીજીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યના વિવિધ સ્થળોએ જનભાગીદારીથી કાર્યક્રમો યોજાશે. મંદિરો, તળાવો, નદીઓના કિનારા, મુખ્ય બજારો, ટાઉન હોલ, ગાર્ડન, એ.પી.એમ.સી. તથા અન્ય આઇકોનિક સ્થળોએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં શહેર કક્ષાના 17 મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય 17 કાર્યક્રમો યોજાશે. મહાનગરપાલિકાના 287 વોર્ડમાં આશરે 12,481 સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, 152 નગરપાલિકાઓમાં શહેર કક્ષાના 152 મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય કાર્યક્રમો યોજાશે. નગરપાલિકા વિસ્તારોમાં આશરે 5,740 સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મળીને કુલ 169 મુખ્ય કાર્યક્રમો તેમજ અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આશરે 18,508 સ્થળોએ સ્થાનિક કાર્યક્રમો યોજાવાના છે. દરેક ગામ તેમજ શહેરોના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાગરિકો, લાભાર્થીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવશે.
મંત્રીજીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી નાગરિકોના જીવનમાં સુખાકારી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત કાર્ડ, આરોગ્ય સેવાઓ, અનાજ વિતરણ, ખેડૂતો માટેની યોજનાઓ તથા વિવિધ સરકારી સેવાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારનો અભિગમ છે કે કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે. જે વિસ્તારોમાં હજુ સુધી નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળ્યો નથી ત્યાં જરૂરી માર્ગદર્શન અને સહાય પહોંચાડવામાં આવશે. સેવા સેતુ સહિતની વિવિધ સેવાઓના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાનો સંકલ્પ આ અભિયાનમાં વ્યક્ત કરવામાં આવશે. રાજ્યના વિવિધ સ્થળોએ મુખ્યમંત્રી મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સાંજે 6 વાગ્યાથી
કાર્યક્રમોનો પ્રારંભ
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તા. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 6 વાગ્યાથી વિવિધ સ્થળોએ નાગરિકો એકત્રિત થશે. ત્યારબાદ ભજન-સંધ્યા, સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અન્ય સેવાકીય કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં આરતીના સમય સાથે સુસંગત રીતે આશરે સાંજે 7 વાગ્યે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવવામાં આવશે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા માટે ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યની તથા ભાવનગરની જનતાને તા. 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરે પણ એક દીવડો પ્રગટાવી તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે.
કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોએ મહાનુભાવો ઉપસ્થિત રહેશે

  • અમદાવાદના કાંકરિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠનના મહામંત્રી અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
  • અંબાજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા સત્તા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
  • સિદ્ધનાથ મહાદેવ, ઓલપાડ, સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે.
  • હીરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે.
  • ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં આશરે 5,000 લાભાર્થીઓ સાથે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે.
  • ભાવનગરના બોર તળાવ ખાતે શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે.
  • સુરતના નાવડી ઓવારા ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તથા મેયર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના સાંસદ ઓ, ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી ઓ, સંગઠનના આગેવાનો તથા અન્ય મહાનુભાવો વિવિધ સ્થળોએ યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ