મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની બેદરકારીનો થયો પર્દાફાશ: અપૂરતા સાધનો લઇને મારતે ઘોડે દોડી ગયેલા કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી બની: વેપારીઓએ રજૂઆત કરવા છતાં પૂરતી આગ બુઝાવ્યા વગર ચાલતી પકડતા આગને મળ્યો પવન !
પોરબંદરના હાર્દ સમા સોની બજારમાં આવેલ જાણીતા ‘પારૂલ જ્વેલર્સ’ માં ગઇકાલે આગ લાગી ત્યારે તાત્કાલિક તેના પર કંટ્રોલ કરી લીધાના બણગા ફૂંકતા ફાયરબ્રિગેડના બેદરકાર અધિકારીની પોલ ખુલી છે અને સવારે ફરીથી એજ દુકાનમાં આગ લાગતા ફરીથી બંબો દોડાવવાની ફરજ પડી હતી તેથી વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના સોનીબજારમાં આવેલ પારૂલ જ્વેલર્સ નામની દુકાનમાં આગની ઘટના બની હતી જેમાં ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠતા ગઇકાલે ફાયરબ્રિગેડ મારતે ઘોડે દોડી ગયુ હતુ પરંતુ ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કંટ્રોલ કરી લીધાનું જણાવીને તેઓએ ચાલતી પકડી ત્યારે વેપારીઓએ રજૂઆત કરી હતી કે હજુ આગ અંદર ધુંધવાઇ રહી છે તેથી પૂરતો પાણીનો મારો ચલાવો પરંતુ અણઘડ કર્મચારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા એટલું જ નહી પરંતુ ધુમાડો બહાર કાઢવાનું મશીન પણ જે તે સમયે બંધ હતુ. પૂરતા સાધનો વગર દોડી ગયેલા અધિકારીઓએ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવીને બધું કામ પૂરું કરી દીધાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે ફરી તે જ જગ્યાએ આગ લાગતા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
શું ફાયર બ્રિગેડ દ્વારા પૂરતું કુલિંગ કરવામાં આવ્યું ન હતું? શું અંદર રહેલો કચરો કે શોર્ટ સર્કિટનું કારણ યોગ્ય રીતે તપાસવામાં આવ્યું ન હતું? ફરી આગ લાગવી એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
સદ્નસીબે આ વખતે મોટી જાનહાની ટળી છે, પરંતુ જો સમયસર ફાયર બ્રિગેડ ન પહોંચે તો સોની બજાર જેવા ગીચ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આસપાસના વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.તંત્રએ માત્ર આગ બુઝાવીને જતું રહેવાને બદલે આગનું મૂળ કારણ શોધીને કાર્યવાહી કરવી જોઈએ.
