ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 183 રન બનાવ્યા હતા: શેફાલી-સ્મૃતીની ફિફ્ટી તો શ્રી ચરણીએ 4 વિકેટ લીધી
ભારતે વુમન્સ એશિયા કપનું ટાઇટલ આઠમી વાર જીતી લીધું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રનથી હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
શેફાલી વર્માએ 68 અને સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. બોલિંગમાં શ્રી ચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી તેની કોઈ પણ પ્લેયર 36 રન ઉપર બનાવી શક્યા ન હતા.
ઈન્ડિયન ઓપનર શેફાલી વર્માએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી હતી, જે વુમન્સ એશિયા કપની સૌથી ઝડપી ફિફ્ટી છે.
આ પહેલાં મહિલા એશિયા કપમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાના નામે હતો. મંધાનાએ 2022માં માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે શેફાલીએ શ્રીલંકા સામે 24 બોલમાં પચાસ રન પૂરા કરીને મંધાનાનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. શેફાલીની આ ઈનિંગ્સ તેની આક્રમક બેટિંગની ઓળખને ફરી એકવાર સાબિત કરે છે. તેણે શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું હતું અને ભારતીય ટીમને ફાઈનલમાં ઝડપી શરૂઆત અપાવી હતી.
